Mysamachar.in-રાજકોટ:
રાજકોટ ખાતે રેશમા પટેલે પ્રેસ કોંફરન્સ કરીને આજે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. એક સમયે અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સાથે જોડાયા હતા અને ત્યારબાદ સત્તાવાર રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ ટૂંકાગાળામાં જ રેશમા પટેલે ભાજપ સામે બળવો પોકાર્યો હતો અને છાસવારે ભાજપ વિરુદ્ધમાં નિવેદનો પણ આપ્યા હતા,
ત્યારે રેશમાં પટેલે ભાજપમાંથી રાજીનામું આપીને જણાવ્યુ હતું કે ભાજપ પક્ષમાંથી માનસિક રીતે ઘણા સમય થી દુર થયેલી છું અને મોટું નિવેદન આપતા કહ્યું હતું કે પોરબંદરથી લોકસભા સીટ લડવા માંગુ છું, પોરબંદર ની સીટ પર NCP અને કોંગ્રેસનું ગઠબંધન ભૂતકાળમાં જોવા મળેલ છે. ચાલુ ધારાસભ્ય પણ NCP ના છે તો ટેકો પણ સારો મળી રહે તેમ છે, જો મને કોઈ પક્ષ ટિકિટ નહીં આપે તો અપક્ષ ચૂંટણી લડીશ. ઉપરાંત રેશમા પટેલે પોરબંદર લોકસભાની ચૂંટણી સાથે માણાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં અપક્ષ તરીકે લડવાની તૈયારી દર્શાવી છે, જેના માટે અત્યારથી જ ઉપલેટાને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું છે,
વધુમાં રેશમા પટેલે જણાવ્યુ હતું કે ભાજપે મારી પાસે માર્કેટિંગ કરાવ્યું છે અને મીડિયા પેનલિસ્ટ તરીકે કામ કરાવ્યું છે. ગુજરાત પ્રદેશ પ્રમુખને પત્ર લખીને રાજીનામાં સાથે ભાજપનો ખેસ કુરિયર દ્વારા મોકલી આપીશ અને રેશમા પટેલે પોતાના સૂર બદલતા અંતે જણાવ્યુ હતું કે હું અને હાર્દિક પટેલ વિચારોથી એક છીએ…આમ ભાજપમાંથી રેશમા પટેલે રાજીનામું આપીને પોરબંદર લોકસભાની બેઠક લડવાની જાહેરાત કરતા પાટીદારોના પ્રભુત્વવાળી આ બેઠક પર ત્રીપાખીયો જંગ વચ્ચે નવા રાજકીય સમીકરણ સામે આવ્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.