Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ખેતીની જમીનોને બિનખેતી કરાવવાની પ્રક્રિયાઓ હંમેશા સૌ લાગતાં વળગતા માટે રસનો મુદ્દો રહ્યો છે. આ પ્રકારની પ્રક્રિયાઓમાં સરકારે એક વધારાની સહુલિયત ઉર્ફે સુવિધા કરી આપી છે. અને, એમ કહેવામાં આવ્યું છે કે, આથી કામો ત્વરાએ થશે અને વિકાસને વેગ મળશે. બિનખેતીના ચોક્કસ પ્રકારના મામલાઓમાં સંબંધિતોને વીસેક ટકાનો ફાયદો મળશે.
સરકારના આ નિર્ણયની પ્રાપ્ય વિગતો એવી છે કે- સમગ્ર રાજ્યમાં એવી કેટલીયે બિનખેતી જમીનો છે, જે અગાઉ કોઈ પણ હેતુ માટે બિનખેતી થયેલી હોય. આ પ્રકારની NA થયેલી કોઈ પણ પ્રકારની જમીનની દરખાસ્ત પુન: હેતુફેર માટે સંબંધિત કલેક્ટર સમક્ષ રજૂ થાય ત્યારે, જો પ્રીમિયમ વસૂલવાપાત્ર હોય અને અગાઉ બિનખેતીના નિર્ણય સમયે આ પ્રીમિયમ કોઈ પણ કારણોસર તંત્રએ વસૂલ્યું ન હોય, એટલે કે વસૂલવાનું જ રહી ગયું હોય, એવા કિસ્સાઓમાં હાલ આવું પ્રીમિયમ પ્રવર્તમાન જંત્રીના દરના 30 ટકા લેખે વસૂલવામાં આવે છે, આ પ્રથા અમલમાં છે.
આ પ્રથા અંગે વિવિધ સ્તરે સરકારને ઘણી રજૂઆતો મળી હતી. આ રજૂઆતોના અંતે મહેસૂલ વિભાગે એક નિર્ણય જાહેર કર્યો. નિર્ણય એવો છે કે, ભૂતકાળમાં પ્રતિબંધિત સતાપ્રકાર અને નવી તેમજ અવિભાજ્ય શરતની જમીનમાં હાલના અરજદાર પાસેથી જંત્રી કિંમતના 10 ટકા જેટલી રકમ વસૂલી, આ જમીનોને રિવાઈઝડ્ બિનખેતીની પરવાનગી આપવાની રહેશે. આમ આવા કિસ્સાઓમાં બિનખેતી પરવાનગી મેળવનાર અરજદારોને જંત્રીના દરની 20 ટકા જેટલી રકમની બચત પણ થશે અને રિવાઈઝડ્ બિનખેતી પરવાનગી પણ મળી જશે.
જો કે, જે કિસ્સાઓમાં પ્રીમિયમ વસૂલાતનો નિર્ણય અગાઉ થઈ ગયેલો હોય, તેવા કિસ્સાઓમાં હાલનો આ નવો નિર્ણય લાગુ કરી શકાશે નહીં. સરકારે આ તકે એવો દાવો કર્યો છે કે, આ નિર્ણયને કારણે રાજ્યમાં રિવાઈઝડ્ બિનખેતી પરવાનગી પ્રક્રિયાઓમાં પારદર્શિતા આવશે. તથા આ પ્રોસેસ ઝડપી બનશે, જેથી સમગ્ર રાજ્યમાં રિ-ડેવલપમેન્ટ પ્રક્રિયાઓને પણ વેગ મળશે.