mysamachar.in-જામનગર:
ગુજરાત રાજ્ય મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક મંડળ ૨૦૦૨ થી કાર્યરત રાજ્યની છ મહાનગરપાલિકાઓના પ્રાથમિક શિક્ષક સંઘોનુ મહામંડળ છે,આ મહામંડળની પ્રતિનિધિ સભા તા.૨૧/૧૦/૨૦૧૮,રવિવારના રોજ જામનગર ખાતે મહામંડળના પૂર્વ પ્રમુખ સનતભાઈ પંડ્યાના અધ્યક્ષ સ્થાને તથા શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા તથા રમેશભાઈ કંસારાની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ,
મહામંડળની આ પ્રતિનિધિ સભામાં પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણની વિસંગતતા દૂર કરવાના મુખ્ય મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને જીલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષકોની જેમ નામદાર હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓના આધારે સમાન ધોરણે ઉચ્ચતર પગાર ધોરણ આપવા સરકાર દ્વારા વહેલી તકે કાર્યવાહી થવા સરકારમાં રજૂઆતો કરવા ઉપરાંત મુખ્યમંત્રી,શિક્ષણમંત્રી સહિત શહેરી વિસ્તારમાથી ચૂંટાયેલ તમામ ધારાસભ્યોને લેખિત આવેદન પત્રો આપવા,
આ ઉપરાંત ૨૦૦૬ થી ૨૦૧૮ સુધીના સી.પી.એફ. કોંટ્રિબ્યુશનની રકમ કર્મચારીઓના ખાતામાં તાત્કાલિક જમા કરવા,ફિક્સ પગારની નોકરીને અન્ય કર્મચારીઓની જેમ શિક્ષકોને પણ સળંગ ગણી આપવા,મહાનગરપાલિકાના શિક્ષકોને નિયમિત સમયસર પગાર આપવા,પ્રાથમિક શીક્ષકોને શિક્ષણેતર કામગીરીમાથી મુક્તિ આપવા,૨૦૦૫ પહેલા ફિક્સ પગારમાં ભરતી થયેલાને નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ અને કેન્દ્ર સરકારના હુકમ મુજબ જૂની પેન્શન સ્કિમમાં સમાવવા અંગે,કેળવણી નિરીક્ષક અને મદદનીશ શાશનાધિકારીઓના પ્રમોશનો શિક્ષકો કે મુખ્ય શિક્ષકોને સમયાંતરે મળે તે અંગે, GPSC તેમજ અન્ય ખાતાકીય પરીક્ષાઓમાં મહાનગરપાલિકાના શિક્ષકોને અન્ય કર્મચારીઓની માફક વયમર્યાદામાથી મુક્તિ આપવા તેમજ મુખ્ય શિક્ષકોના પ્રમોશનની અને બદલીની નીતિ નક્કી થવા જેવા અનેક વિષયો પર ચર્ચાઓ,ઠરાવો અને આગળની રણનીતિ હાથ ધરવામાં આવી,
આ સભા દરમ્યાન પ્રમુખ તરીકે ચંદ્રકાંતભાઈ ખાખરીયા(જામનગર) તથા મહામંત્રી તરીકે પીનાકીનભાઈ પટેલ(વડોદરા)ની બિનહરીફ વરણી કરવામાં આવી તેમજ અન્ય હોદ્દેદારોની નિમણુંકો કરવામાં આવી,આ પ્રતિનિધિ સભામાં તમામ ઘટક સંઘોના પ્રમુખ અને મહામંત્રીઓએ વિવિધ પ્રશ્નો પરત્વે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા,આ પ્રતિનિધિ સભાને સફળ બનાવવા મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રામસીભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ મુકેશભાઇ જોશી,માંડણભાઈ મકવાણા,સંજયભાઈ ચાંદ્રા,મનહરલાલ વરમોરા,મુકેશભાઇ પૂજારા,રાજેશભાઈ ભેંસદડિયા,બંકિમભાઈ ભટ્ટ તેમજ દેવાતભાઈ સુવા,વિમલભાઈ જોગલ,રમેશભાઈ જાંબુસા,યોગરાજસિંહ ઝાલા,પ્રભુલાલ ભેંસદડિયા,સંજયભાઇ મેશિયા,પરેશભાઈ અજુડીયા,પ્રકાશભાઈ બોડા,હસમુખભાઇ હિરપરા,અમિતભાઈ સોની વગેરે સક્રિય સહયોગ તથા કાર્યક્રમનુ સંચાલન વિજયભાઈ પંડ્યા તથા કૌશિકભાઈ જોગીદાસે જહેમત ઉઠાવેલ હતી.