Mysamachar.in-અમદાવાદ:
કોઈ પણ રાજકીય પક્ષને કોઈ એક વ્યક્તિ, સંસ્થા કે કંપની તરફથી રૂ. 20,000 થી વધુની રકમ દાન તરીકે મળી હોય તો, એ રાજકીય પક્ષે આ તમામ રકમની સંપૂર્ણ વિગતો ચૂંટણીપંચ સમક્ષ જાહેર કરવાની હોય છે. રાજકીય પક્ષોએ આ વિગતો જાહેર કરી છે. આ વિગતોનું સંકલન કરી, ADR નામની એક સંસ્થાએ આ આખો રિપોર્ટ બહાર પાડ્યો.
આ રિપોર્ટ અનુસાર, નાણાંકીય વર્ષ 2023-24 દરમિયાન સૌથી વધુ ડોનેશન મેળવનાર રાજકીય પક્ષોની યાદીમાં ભાજપા પ્રથમ ક્રમે છે. તેને રૂ. 2,243 કરોડનું દાન પ્રાપ્ત થયું. જે આગલા વર્ષે મળેલા દાનના રૂ. 719.85 કરોડ કરતાં 211.72 ટકા વધુ રકમ છે. એ જ રીતે, કોંગ્રેસ પક્ષને રૂ. 281.48 કરોડનું દાન પ્રાપ્ત થયું.જે આગલા વર્ષના રૂ. 79.72 કરોડ કરતાં 252 ટકા વધારે છે. બહુજન સમાજ પક્ષે સતત 18મા વર્ષે જાહેર કર્યું કે, આ વર્ષે પણ અમોને ‘શૂન્ય’ દાન પ્રાપ્ત થયું છે.
તમામ રાજકીય પક્ષોએ દાનની આ રકમો તા.30-09-2024 પહેલાં જાહેર કરવાની હતી. આમ આદમી પાર્ટીએ સમયસર વિગતો આપી. ભાજપાએ 42 દિવસના વિલંબ બાદ અને કોંગ્રેસે 27 દિવસના વિલંબ પછી આ વિગતો આપી.
ગુજરાત રાજ્યમાંથી રાજકીય પક્ષોને અપાયેલા દાનની વિગતો પણ અન્ય એક રિપોર્ટમાં જાહેર થઈ. જેમાં જણાવાયા અનુસાર, ગુજરાતમાંથી ભાજપાને રૂ. 401.98 કરોડ અને કોંગ્રેસને રૂ. 2.45 કરોડનું દાન પ્રાપ્ત થયું. રાજકીય પક્ષોને મોટાભાગનું દાન દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મળે છે. ગુજરાતની કોર્પોરેટ કંપનીઓ, ગુજરાતમાં કામ કરતાં ગુજરાતી કોન્ટ્રાક્ટર, પરપ્રાંતિય કોન્ટ્રાક્ટર, બિલ્ડર્સ અને વ્યક્તિગત રીતે દાનની આ રકમો બેંકોના માધ્યમોથી રાજકીય પક્ષોને આપવામાં આવી હોય છે.(symbolic image)