Mysamachar.in-જામનગર:
રાજ્યની વિધાનસભામાં એક ચોંકાવનારો રિપોર્ટ (2024) જાહેર થયો. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સરકારી દવાઓનો જથ્થો સાચવવાની વ્યવસ્થાઓ એટલે કે વેરહાઉસની વ્યવસ્થાઓ અપૂરતી હોવાને કારણે, 400 લાખ કરતાં વધુ દવાઓ ‘નકામી’ એટલે કે એક્સપાયર ડેટવાળી બની ગઈ. આ દવાઓના નાણાં તો પ્રજાની તિજોરીમાંથી સંબંધિત કંપનીઓ સુધી પહોંચી ગયા હોય, દવાઓ લોકો સુધી પહોંચે એ પહેલાં કચરો થઈ ગઈ.
આ રિપોર્ટ ખુદ ભારત સરકારનો છે. કેન્દ્રીય ઓડિટ એજન્સી CAG એ આ રિપોર્ટ આપ્યો. જે નિયમ અનુસાર વિધાનસભામાં જાહેર થયો. આ રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, ભૂતકાળમાં કોન્ટ્રાક્ટર કંપનીઓએ સેંકડો પ્રકારની દવાઓ સરકારને આપી પણ ન હતી, કેમ કે સરકારે ટેન્ડરમાં આ દવાઓનો ઉલ્લેખ પણ કર્યો ન હતો.
આ ઉપરાંત દવાઓ સાચવવાની અપૂરતી વ્યવસ્થાઓને કારણે અબજો રૂપિયાની દવાઓ ‘ગટર’માં ગઈ. જામનગરની વાત કરીએ તો, અહીં ભૂતકાળમાં એક્સપાયરી દવાઓ અને ઉપયોગમાં લઈ શકાય તેવી દવાઓ સાથે રાખવામાં આવતી હતી ! નકામી દવાઓ લોકોના આંતરડામાં પણ ગઈ હશે ?! અહીં દવાઓ સાચવવા જે 10 બાય 10 ચોરસ મીટરનું ગોદામ છે, ત્યાં AC બંધ રહેતું. એમ પણ રિપોર્ટમાં લખ્યું છે !
આ ચોંકાવનારી અને ચિંતાપ્રેરક માહિતીઓ મળતાં, Mysamachar.in દ્વારા આજે જામનગર વેરહાઉસના આસિસ્ટન્ટ ડેપો મેનેજર અંકુર ઢોલરીયાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. એમણે કહેલી બાબતો જો કે, રાહત આપનારી છે. હાલ સમસ્યાઓ નથી. ભૂતકાળમાં ઘણી તકલીફો હતી. સરકારના રિપોર્ટમાં કહેવાયેલી ચિંતાપ્રેરક બાબતોનો એમણે પણ સ્વીકાર કર્યો.
-અંકુર ઢોલરીયાએ Mysamachar.in સાથેની વાતચીતમાં કહ્યું…
ભૂતકાળમાં અહીં દવાઓ સાચવવા જગ્યાઓ ઓછી હતી. કારણ કે, આ ગોદામ 2008ની જરૂરિયાત મુજબ બનાવવામાં આવેલું છે. હવે દવાઓનો જથ્થો વધી ગયો છે. નવી જગ્યાઓની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ADM ઢોલરીયા કહે છે: દવાઓ સાચવવા જગ્યાઓ ઓછી પડતી હતી તેથી સરકાર પાસેથી મંજૂરીઓ મેળવી દવાઓ સાચવવા એક નવો શેડ બનાવવામાં આવ્યો છે. આમ છતાં દવાઓના જથ્થાના પ્રમાણમાં જગ્યાઓ હજુ પણ ઘટી રહી હોય, અન્ય એક શેડ બનાવવા સરકારમાંથી મંજૂરીઓ મેળવવામાં આવી છે. આગામી નાણાંકીય વર્ષ દરમિયાન આ નવો બીજો શેડ પણ બનાવી લેવામાં આવશે.
એમણે કહ્યું: હાલમાં દવાઓ સાચવવા હજુ જગ્યાઓ ટૂંકી પડી રહી હોય, હાલ જીજી હોસ્પિટલના બંધ રહેલાં કવાર્ટરમાં અમુક દવાઓ સાચવવામાં આવી રહી છે. જે દવાઓને ઠંડકની જરૂર ન હોય, રૂમ ટેમ્પરેચર પર જે દવાઓ રાખી શકાય, તેવી દવાઓ આવા કવાર્ટરમાં રાખવામાં આવે છે. દરમિયાન વેરહાઉસ ખાતે દવાઓ સાચવવા બીજો વધારાનો શેડ પણ બનાવી લેવામાં આવશે.
આ ઉપરાંત એમણે એમ પણ કહ્યું કે, જે દવાઓ ઠંડા વાતાવરણમાં રાખવી ફરજિયાત હોય છે તે દવાઓના ગોદામમાં હાલ ACની વ્યવસ્થાઓ પણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત વધારાની AC વ્યવસ્થાઓ સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે, જેથી હાલની સ્થિતિએ દવાઓ સાચવવાની જગ્યાઓ કે જરૂરિયાત પૂરતી ઠંડકની કોઈ સમસ્યાઓ નથી અને એક્સપાયર દવાઓ તથા ઉપયોગી દવાઓ અલગઅલગ જગ્યાઓ પર સાચવવામાં આવી રહી હોય, હવે કોઈ પણ પ્રકારની ચિંતાઓ કે સમસ્યાઓ નથી, એમ અંકુર ઢોલરીયાએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું.(file image)