Mysamachar.in-ગાંધીનગરઃ
સમાજમાં ગુનાહિત પ્રવૃતિ કરતાં વ્યક્તિને કાયદાકીય સજા આપી જેલમાં ધકેલવામાં આવે છે. જો કે હવે જેલમાં પણ કેદીઓને જલસા હોવાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. હાલમાં જ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો (NCRB) દ્વારા એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2015-16માં કુલ ખર્ચ 59.8 કરોડ થયો હતો, જે વર્ષ 2016/17માં વધીને 108.9 કરોડે પહોંચ્યો હતો, ત્યારબાદ વર્ષ 2017/18માં 137.3 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. વર્ષ 2017/18માં જેલમાં કેદીઓના ભોજન પાછળ જ માત્ર 25 કરોડનો ખર્ચ થયો છે. આ સિવાય વસ્ત્રો, મેડિકલ, વેલફેર એક્ટિવિટી, વોકેશનલ-એજ્યુકેશનલ વગેરે જેવી પ્રવૃતિઓ પાછળ 27 કરોડનો ખર્ચ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દેશમાં કેદીઓના ભોજન પાછળ સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં 150 કરોડનો ખર્ચ કરવામાં આવે છે, જ્યારે બીજા નંબરે બિહારમાં 112 કરોડનો ખર્ચ થયો હતો, જો કે આ બંને રાજ્યમાં અન્ય રાજ્યોની સરખામણીએ કેદીઓની સંખ્યા પણ સૌથી વધુ છે. આ સિવાય રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે કેદી સુધારણા માટે દેશભરમાં કુલ 1,008 એનજીઓ કામ કરે છે, જેમાં દેશમાં સૌથી વધુ ગુજરાતમાં 155 એનજીઓ કેદી સુધારણા માટે કામ કરે છે.