Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સુપ્રિમ કોર્ટના નિર્દેશ અને હાઈકોર્ટની સૂચનાઓ અનુસાર, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તમામ પ્રકારના ધાર્મિક દબાણો અને ગેરકાયદેસર બાંધકામો હટાવવાની કામગીરીઓ થઈ રહી છે, જેના ભાગરૂપે જામનગરમાં ગત્ મોડી રાત્રે આશરે ત્રણેક હજાર ફૂટ મોકાની જગ્યા પરનું એક ધાર્મિક દબાણ કોર્પોરેશન દ્વારા હટાવવામાં આવ્યું છે. આ તકે પોલીસતંત્ર અને વહીવટીતંત્રને પણ સાથે રાખવામાં આવ્યા હતાં.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીના જણાવ્યા અનુસાર, શહેરના રણજિતસાગર રોડ પર પ્રથમ પુલિયાની જમણી તરફ એક ગાડા માર્ગથી તદ્દન નજીક આશરે ત્રણેક હજાર ચોરસ ફૂટ જમીન પર, ત્રણેક વર્ષથી કોઈના દ્વારા એક ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું. આ બાંધકામને 2022માં બાંધકામ હટાવવા બાબતે કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવેલી. પરંતુ તે બાદ પણ દબાણ યથાવત્ રહેતાં. આ વર્ષે ઓક્ટોબર માસ દરમિયાન, આ બાંધકામને દૂર કરવા બાબતે આખરી નોટિસ આપવામાં આવ્યા બાદ પણ, આ દબાણ એમ જ રહ્યું. બાંધકામ તરફથી કોઈ વ્યક્તિએ કોર્પોરેશનની નોટિસનો જવાબ પણ આપ્યો ન હતો, આથી આ તમામ કાનૂની કાર્યવાહીઓને અંતે કાલે મોડી રાત્રે આ બાંધકામ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યું છે અને ગાડા માર્ગ નજીકની કોર્પોરેશનની આ જગ્યા ખાલી કરાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ જગ્યા પર યા મહમ્મદ શાહ પીર ઉર્ફે હજરત બાળિયા પીર એવું બોર્ડ કોઈએ લગાવેલું હતું અને અહીં ગુંબજ અને કોલમ સહિતનું પાકું બાંધકામ રહેણાંક વિસ્તાર નજીક બનાવવામાં આવેલું. જે અંગે અગાઉ કોર્પોરેશનમાં રજૂઆત પણ થઈ હતી. આ બાંધકામ ગત્ મોડી રાત્રે કોર્પોરેશન દ્વારા હટાવાયું છે, જેની સત્તાવાર વિગતો આજે બપોરે જાહેર કરવામાં આવી છે.