Mysamachar.in-અમદાવાદ:
ઘણાં બધાં લોકો પાનના ગલ્લા સહિતના સ્થળોએ આકરાં ઉનાળાની અને સંભવિત હીટવેવની વાતો બિનસતાવાર રીતે કરતાં હોય છે, જેમાં મોટેભાગે બની બેઠેલાં હવામાન નિષ્ણાંતોના હવાલા અપાતાં હોય છે, પરંતુ હવામાન વિભાગે સતાવાર રીતે આવી તમામ શકયતાઓનો છેદ ઉડાવી દીધો છે. અને, કહ્યું છે કે- હાલ ગુજરાતમાં કયાંય હીટવેવની સ્થિતિ નથી અને પાંચેક દિવસ તો સંભાવનાઓ પણ નથી.
રાજ્યના હવામાન વિભાગે આજે મંગળવારે જાહેર કર્યું છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાન એકદમ ઉંચુ જવાની કોઈ શકયતાઓ નથી. લઘુતમ તાપમાન પણ ઉંચુ નહીં જાય. વાતાવરણ શુષ્ક રહેશે. આકરી ગરમીની શકયતાઓ નથી. પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ શકે છે, જે લૂ નહીં હોય.
રાજ્યમાં કયાંય પણ હીટવેવની સંભાવનાઓ નથી, આમ છતાં આરોગ્ય તંત્રો બેવડી ઋતુને ધ્યાનમાં રાખી સતર્ક છે. હાલની માફક જ શનિવાર સુધી, એટલે કે આ સમગ્ર સપ્તાહ દરમિયાન સવારે તથા સાંજે અને રાત્રિના સમયે રાબેતા મુજબની ગરમીમાં રાહત ચાલુ રહેશે. આ ઠંડક લોકોને પસંદ પડે પરંતુ સાથેસાથે બેવડી ઋતુના ભયસ્થાન ધ્યાન પર રાખવા પડે.
હવામાન વિભાગ કહે છે, રાજ્યમાં કયાંય માવઠાંની પણ શકયતાઓ નથી. વાતાવરણ સમઘાત રહેશે. આકરો તડકો પણ સહન નહીં કરવો પડે. શુક્રવાર અથવા શનિવારે નવી આગાહી આવી શકે છે. ત્યાં સુધી રાજ્યમાં મોટેભાગે આકાશ સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી અથવા તેથી નીચે અને લઘુતમ તાપમાન 24 ડિગ્રી આસપાસ રહી શકે છે. બહુ પવનની પણ શકયતાઓ નથી.