Mysamachar.in:જામનગર
એક તરફ મોંઘવારીમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે અને લોકો દરેક ક્ષેત્રમાં મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, એવામાં મોંઘવારી વચ્ચે પીસાતા લોકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે, આ સમાચાર એ છે કે રોજીંદા વપરાશમાં લેવામાં આવતા ખાદ્યતેલોના ભાવોમાં નોંધાપાત્ર ઘટાડો થયો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલનાં ભાવ આસમાને આંબી રહ્યા છે, સીંગતેલ, કપાસિયા તેલ, પામોલિન તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સીંગતેલની લેવાલી ઘટતા ભાવમાં રાહત થઈ છે. સીંગતેલમાં છેલ્લા 17 દિવસમાં 15 કિલોના ડબ્બે રૂપિયા 130નો ઘટાડો થયો છે. જે બાદ ડબ્બાનો ભાવ 2810થી 2860 રૂપિયા થયો છે. આ જ સીંગતેલ 17 દિવસ પહેલા તા. 8 એપ્રિલે રેકોર્ડ રૂ.2940- 2990ના ભાવે પહોંચ્યું હતું.
સીંગતેલની સાથે કપાસિયા તેલના ભાવ પણ ઘટ્યા છે. કપાસિયા તેલમાં ડબ્બે 90 રૂપિયાનો ઘટાડો થયો છે. જે બાદ કપાસિયા તેલનો ભાવ 1750 રૂપિયા થયો છે. આ સાથે જ પામોલિન તેલમાં રૂ.50ના ઘટાડા સાથે ડબ્બાનો ભાવ 1505થી 1510 રૂપિયા થયો છે. નોંધનીય છે કે 17 દિવસ પહેલા રાજ્યમાં સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2940-2990 સુધી પહોંચ્યા હતા. જેથી કેટલાક લોકોએ ઘરેલુ વપરાશમાં કપાસિયાનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. સીંગતેલની લેવાલી નહીં હોવા છતાં તેના ભાવ આશ્ચર્યજનક રીતે વધતા જતા હતા. ત્યારે હવે ભાવમાં ઘટાડો થયા લોકોને થોડી રાહત થઈ છે.