Mysamachar.in-જામનગર:
એક તરફ આગાહી આવી રહી છે કે, હવે પછીના 90 દિવસ કાળઝાળ ઉનાળાના છે. બીજી તરફ રાહતની વાત એ છે કે, જામનગરમાં આકરાં ઉનાળામાં પણ પીવા-વાપરવાના પાણીની કોઈ ચિંતાઓ રહેશે નહીં, પાણીનો જથ્થો પર્યાપ્ત છે. કોર્પોરેશન દ્વારા આ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.
જામનગરના વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર નરેશ પટેલએ જણાવ્યું છે કે, શહેરને પાણીની કોઈ સમસ્યા જૂલાઈના અંત સુધી નડશે નહીં. કોર્પોરેશનના વોટર વર્કસ વિભાગ પાસે હાલ જે આંકડાઓ છે, તે દર્શાવે છે કે, હાલ ચાર મહિનાઓ સુધી પાણીની કોઈ ચિંતાઓ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ દરમિયાન વરસાદ શરૂ થઈ જશે, અને જળાશયોમાં નવા નીરની આવક પણ શરૂ થઈ જશે.
કોર્પોરેશનના આંકડાઓ અનુસાર, જામનગર શહેરને પાણી પૂરૂં પાડતાં જળાશયો પૈકી રણજિતસાગર ડેમની કુલ ઉંડાઈ 22.10 ફૂટ છે અને તેમાં કુલ 688 mcft પાણીનો જથ્થો સ્ટોર છે. સસોઈ ડેમમાં 418.1 mcft પાણી છે. આજી-3 ડેમમાં 389 mcft પાણી અને ઉંડ-1 ડેમમાં 1,075.60 mcft પાણીનો જથ્થો છે. આ ઉપરાંત જામનગરને નર્મદા ડેમમાંથી પણ જરૂરિયાત પૂરતો પાણીનો જથ્થો મળતો રહે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 10-15 જૂન આસપાસ જામનગર શહેર અને જિલ્લામાં સામાન્ય રીતે ચોમાસાનો પ્રારંભ થઈ જતો હોય છે. તેથી આ ઉનાળે ચિંતાઓ નથી. એમ હાલની સ્થિતિએ કહી શકાય.