Mysamachar.in-રાજકોટ:
રાજ્યના સિનિયર કેબિનેટમંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલને રાજકોટની હોસ્પિટલમાંથી, બ્રેઈન સ્ટ્રોકની સઘન સારવાર બાદ, ડિસ્ચાર્જ આપવામાં આવતાં સરકાર સહિત હજારો લોકોએ રાહતની લાગણી અનુભવી છે. રાઘવજીભાઈને ગત્ 11 ફેબ્રુઆરીએ બ્રેઈન સ્ટ્રોકની સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. લાંબી અને સઘન સારવાર બાદ તેઓ સ્વસ્થ થતાં પરિવારજનોએ તથા સંખ્યાબંધ સમર્થકોએ રાહતનો શ્વાસ લીધો છે અને આનંદની લાગણી વ્યક્ત કરી છે.
તેઓની સારવાર દરમિયાન મુખ્યમંત્રી સહિતના રાજયકક્ષાના તથા સેંકડો સ્થાનિક અગ્રણીઓએ તબિયતના ખબરઅંતર જાણવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હળવા બ્રેઈન સ્ટ્રોકની સારવાર બાદ હવે તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાતાં પરત ઘરે ફર્યા છે. તેઓ આગામી થોડાંક સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે, એમ જણાવવામાં આવી રહ્યું છે.