Mysamachar.in-જામનગર:
જામનગરની પ્રતિષ્ઠિત સરકારી જીજી હોસ્પિટલમાં કોરોનાકાળ દરમ્યાન એક ચકચારી સેકસકાંડ સર્જાયો હતો. જેતે સમયે, લાંબા સમય સુધી સમગ્ર હાલારમાં આ પ્રકરણે ‘ગરમી’ લાવી દીધી હતી. આજે ચાર વર્ષ બાદ આ કાંડ અનુસંધાને જાહેર થયેલી રેકર્ડ પરની વિગત એવી છે કે, આ કાંડના આરોપીનો અદાલતમાં છૂટકારો થયો છે.
આ ચકચારી બનાવની વિગત એવી છે કે, જૂન-2021માં જીજી હોસ્પિટલના કેટલાંક કર્મચારીઓ દ્વારા આ કાંડ મામલે જિલ્લા સત્તાવાળાઓને આવેદન આપવામાં આવેલું. જેમાં હોસ્પિટલમાં ચાલતાં’ગોરખધંધા’નો ચોંકાવનારો આક્ષેપ અને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ, ગેઝેટેડ ઓફિસરોની ટીમ બની અને તપાસનો તથા પૂછપરછોનો ધમધમાટ વગેરે ચાલ્યા. જો કે, આરોપી વિરુદ્ધ કોઈ જ ‘મજબૂત’ પુરાવો રેકર્ડ પર ન આવ્યો. આ કાંડમાં યુવતિઓની છેડતી થતી, મહિલાઓને દબાણમાં નોકરી કરવી પડતી. એવું પણ બહાર આવેલું કે, આરોપીઓ દ્વારા ‘આવાસ’ ખાતે એક ફ્લેટ રાખવામાં આવ્યો હતો. જ્યાં યુવતિઓનું યૌનશોષણ થતું.
આ કેસમાં જેતે સમયે સરકારપક્ષે એવી પણ દલીલો થઈ હતી કે, આરોપી એલ.બી.પ્રજાપતિ વિરુદ્ધ અગાઉ પણ બળાત્કારનો કેસ થયેલો. સાક્ષીઓએ આરોપીને ઓળખી બતાવેલ છે. આરોપીપક્ષે એવી દલીલ થઈ કે, માત્ર પ્રકરણ ચકચારી હોય એટલે યૌનશોષણ થયાનું સાબિત ન માની શકાય. હાલના આરોપી અન્ય કારણથી ‘ટાર્ગેટ’ પર હતાં. હાલના કેસમાં, કોઈ પણ પુરાવો એવો રેકર્ડ પર આવ્યો નથી કે, છેડતી કે યૌનશોષણ સાબિત થઈ શક્યું હોય. આરોપીપક્ષના નામાંકિત વકીલ રાજેશ ગોસાઈ દ્વારા આ દલીલો આપવામાં આવી હતી. બંને પક્ષની તમામ દલીલો સાંભળી લીધાં બાદ અદાલતે આરોપીપક્ષની દલીલો માન્ય રાખી, આ કેસના આરોપી જીજી હોસ્પિટલના તત્કાલીન કોન્ટ્રાક્ટર એજન્સીના એચ.આર. મેનેજર લોમેશ પ્રજાપતિને નિર્દોષ જાહેર કરી, તેનો આ કેસમાંથી છૂટકારો ફરમાવ્યો છે.