Mysamachar.in:અમદાવાદ
જામનગર સહિત રાજ્યભરમાં મિલ્કતોની ખરીદી કરી, દસ્તાવેજોની નોંધણી કરાવનાર આસામીઓને નાણાંકીય રાહત મળવાની શક્યતા છે. કેમ કે, આ માટે સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે, જેનો આગામી બજેટમાં પડઘો પડી શકે છે. મહારાષ્ટ્ર સહિતના કેટલાંક રાજ્યોમાં ત્યાંની સરકારોએ સ્ટેમ્પ ડયુટીનાં દરો તથા મિલ્કત નોંધણી ફીમાં ઘટાડો કર્યા પછી, તે રાજ્યોમાં મિલકતોનું ખરીદવેચાણ વધ્યું છે. નિષ્ણાતો કહે છે: આ ફોર્મ્યુલા આગામી સમયમાં રાજ્યમાં રિઅલ એસ્ટેટ બિઝનેસને બુસ્ટ આપવા, ગુજરાતમાં પણ લાગુ પડી શકે છે. અત્રે નોંધનીય છે કે, હાલમાં જામનગર સહિત રાજ્યભરમાં મિલ્કતોની ખરીદી વખતે જંત્રીના ભાવોનાં આધારે ખરીદદારોએ 4.90 સ્ટેમ્પ ડયુટી ભરવાની રહે છે. અને, વધારાની એક ટકો રકમ નોંધણી ફી તરીકે ભરવાની રહે છે. ગુજરાતમાં રિઅલ એસ્ટેટ ડેવલપર સંગઠન દ્વારા આ દરોમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી છે.
ક્રેડાઈ ગુજરાતનાં ચેરમેન અને અગ્રણી રિઅલ એસ્ટેટ ડેવલપર અજય પટેલ કહે છે : સ્ટેમ્પ ડયુટીનાં દરોમાં અને નોંધણી ફીમાં પચાસ ટકા ઘટાડો કરવાની અમારી માંગણી લાંબા સમયથી પડતર છે. આશા છે કે, આગામી બજેટમાં આ માંગ સરકાર સ્વીકારી લેશે. આ દરો ઘટવાથી સમગ્ર રાજ્યમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં દરેક સેગમેન્ટમાં તેની અસરો જોવા મળશે. ખાસ કરીને, એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં આ સંભવિત ઘટાડાની અસર વધુ જોવા મળી શકે છે. અજય પટેલ કહે છે : ઉંચી સ્ટેમ્પ ડયુટી તથા ઉંચી નોંધણી ફીના કારણે મિલ્કત ખરીદવા ઈચ્છતા ઘણાં લોકો લેવાનું ટાળે છે. અને, ઘણાં લોકોએ આ ઉંચા દરોને કારણે વધારાની રકમની લોન લેવી પડતી હોય છે, જેને કારણે રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં આડઅસરો પેદાં થાય છે. મહારાષ્ટ્રમાં આ દરોના ઘટાડાના પરિણામો જોવા મળ્યા છે. મિલ્કતોના વેચાણ વધ્યા છે. જેને પરિણામે દર ઘટાડા પછી પણ સરકારની આવકમાં લાંબો ફેર પડ્યો નથી. ગુજરાતમાં પણ આમ થઈ શકે છે, એમ પટેલે ઉમેર્યું છે. ગુજરાતમાં આર્થિક પ્રવૃતિઓની સમીક્ષા કરી રહેલી કમિટીના વડા(મુખ્યમંત્રીનાં સલાહકાર) હસમુખ અઢિયાએ પણ સરકારને આ દરો ઘટાડવા ભલામણ કરી છે. દરોનો આ સંભવિત ઘટાડો માત્ર એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં જ લાગુ પાડવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.
-જામનગરમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં આંકડાઓ શું કહે છે ?
જામનગરની વાત કરીએ તો, જાન્યુઆરી-ડિસેમ્બર, 2022 દરમિયાન મિલ્કત નોંધણી કચેરીઓની કુલ આવક આશરે રૂ.165 કરોડ આસપાસ જોવા મળી છે. સ્ટેમ્પ ડયુટી તથા નોંધણી ફીનો આ આંકડો દર્શાવે છે કે, જામનગર શહેર અને જિલ્લામાં વર્ષેદહાડે આશરે ત્રણેક હજાર કરોડનું ટર્નઓવર રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં (ચોપડા પર) થઈ રહ્યું છે. બાકીનાં ચાલીસેક ટકા બ્લેક ગણો તો, જામનગર જિલ્લાનું આ વાસ્તવિક ટર્નઓવર રૂ. પાંચેક હજાર કરોડનું અંદાજી શકાય.