Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સરકારે, નવેસરથી વ્યાખ્યાયિત કરવામાં આવેલાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટસ એક્ટ અંતર્ગત તમામ હોસ્પિટલ, દવાખાના, મેટરનિટી હોમ અને લેબોરેટરીઓ સહિતના આરોગ્યલક્ષી સંસ્થાનોની નોંધણી ફરજિયાત બનાવી છે. અને, આ એક્ટમાં કેટલાંક ફેરફાર પણ કર્યા છે પરંતુ આ મામલે સુઓમોટો સુનાવણીમાં વડી અદાલતે કહ્યું છે કે, જ્યાં સુધી આ બાબતમાં ગંભીરતાપૂર્વક આગળ વધવામાં નહીં આવે ત્યાં સુધી આ રજિસ્ટ્રેશન સહિતની કવાયતો માત્ર ફોર્માલિટી બની રહેશે. એક્ટની અસરકારકતા વધવી આવશ્યક છે.
વડી અદાલતમાં આ મામલે હાલ એક સુઓમોટો જાહેર હિતની અરજીની સુનાવણીઓ ચાલી રહી છે. આ સુનાવણીમાં વડી અદાલતે કહ્યું: આ એક્ટ અંતર્ગત પેનલ્ટીની જોગવાઈઓ તાર્કિક બનાવવી આવશ્યક લેખાશે. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં કેટલાંક દર્દીઓ મોતિયાના ઓપરેશન બાદ પરેશાન થયા હતાં, જે પૈકી ઘણાં લોકોએ દ્રષ્ટિ પણ ગુમાવવી પડી હતી, ત્યારબાદ વડી અદાલતે જાતે આ PIL ની સુનાવણીઓ હાથ ધરી છે.
આ સુનાવણી દરમિયાન સરકારે વડી અદાલતમાં એવો જવાબ દાખલ કર્યો હતો કે, તમામ હોસ્પિટલ અને લેબોરેટરીઓ સહિતની આરોગ્ય સંસ્થાઓની આ એક્ટ મુજબ નોંધણી થઈ રહી છે. જો કે આ માટેની રાજ્યસ્તરની કાઉન્સિલને પૂર્ણરૂપે કાર્યરત કરવામાં આવી નથી. બાદમાં, વડી અદાલતે કહ્યું: જ્યાં સુધી પૂર્ણરૂપે કાઉન્સિલ કાર્યરત ન થાય, ત્યાં સુધી આ માટેના સ્ટાન્ડર્ડ નક્કી ન થઈ શકે અને દર્દીઓના અધિકારો અંગેની સ્પષ્ટતાઓ નિર્ણીત ન થઈ શકે.
વડી અદાલતે એમ પણ કહ્યું: નોંધણી અને નિયમિત ઈન્સ્પેક્શન આવશ્યક છે જ, ખાસ કરીને એવી હોસ્પિટલમાં કે જ્યાં ઈન હાઉસ સર્જરી થતી હોય. પરંતુ જયાં સુધી આ માટેના સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં ન આવે ત્યાં સુધી રજિસ્ટ્રેશન અને ઈન્સ્પેક્શન માત્ર ફોર્માલિટી બની રહે.
સરકાર દ્વારા અદાલતમાં કહેવાયું કે, આ એકટના ભંગ બદલ પ્રથમ વખત તબીબને રૂ. 10,000 અને બીજી વખત રૂ. 15,000 નો દંડ નક્કી કરવામાં આવ્યો છે. આ માહિતીઓ બાદ વડી અદાલતે કહ્યું: આટલો દંડ ચૂકવીને કોઈ પણ કસૂરવાર તબીબ બચી જઈ શકે, પેનલ્ટીની જોગવાઈઓ કડક બનાવવી આવશ્યક લેખાય. આ મુદ્દે સરકાર વતી એડવોકેટ જનરલે સહમતી દર્શાવી અને અદાલતને કહ્યું અમને થોડો સમય આપો અમે દંડમાં ફેરફારો કરવા સહમત છીએ. બાદમાં અદાલતે કહ્યું, તબીબી બેદરકારીઓને થતી નાની અને મોટી ક્ષતિઓ અંગે સમતોલ રીતે વિચારવું પડે અને એક્ટની જોગવાઈઓનો દુરુપયોગ પણ ન થાય, વગેરે બાબતોનું સંતુલન જળવાય એ રીતે ફેરફારો કરવા આવશ્યક લેખાશે અને હવે પછીની સુનાવણી 15 જૂલાઈએ હાથ ધરવામાં આવશે.