Mysamachar.in-અમદાવાદઃ
ટ્રાફિકના નવા નિયમોને કારણે RTO કચેરી ખાતે છેલ્લા કેટલાક સમયથી ભારે ભીડ જોવા મળી રહી છે, તો કેટલાક નિયમોને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એવામાં લોકોના રોષને ધ્યાને રાખી ઘણા સુધાર વધારા કરવામાં આવ્યા છે. આવા જ એક સુધારા માટે રીક્ષા ચાલકો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો, રીક્ષા ચાલકોએ હડતાળ પણ પાડી હતી, આ અંતર્ગત સરકારે તેમની કેટલીક માગો સ્વીકારી હતી જે પૈકી કેન્દ્ર સરકારે લાયસન્સની કેટેગરીમાં ફેરફાર કર્યો છે. જેમાં હવે સરકારે તેમની માંગણીને ધ્યાનમાં રાખીને રિક્ષાથી ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ આપવા મંજૂરી આપી છે.
હવે રિક્ષાથી ટેસ્ટ આપ્યો હશે તો પણ ફોર વ્હીલરનું લાયસન્સ મળશે. સરકારે એલએમવીમાં 7.5 ટન સુધીનાં તમામ વાહનોને સમાવી લેતાં રિક્ષા, ટ્રેકટર અને છોટા હાથી જેવાં વાહનો માટે મળતાં લાઇસન્સ નથી નીકળતાં. જે અંગે રિક્ષા ચાલકો દ્વારા ફોરવ્હીલર શીખવાનો ખર્ચ અને અન્ય મુશ્કેલીઓ સામે રજૂઆત કરી હતી. જેથી રાજ્ય સરકાર દ્વારા ઉકેલ લાવવામાં આવ્યો છે. હવે ફોર વ્હીલરનુ લાયસન્સ લેવાનું રહેશે. ફોર્મ અને લર્નિંગ ટેસ્ટ બાદ પાકા લાઇસન્સ માટે રીક્ષા ચાલકો રીક્ષા દ્વારા ટેસ્ટ આપી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તહેવારો નજીક હોવાના કારણે પીયુસી અને હેલમેટની સમય મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. આ સમય મર્યાદા વધારીને 30 ઑક્ટોબર સુધી કરવામાં આવી છે. વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ સુનયના તોમરે જણાવ્યું કે રિક્ષા ચાલકોની મોટાભાગની માંગ પણ સ્વીકારી લેવામાં આવી છે, અને તેમના માટે પણ સરકારે સકારાત્મક નિર્ણય લીધા છે. તેમણે કહ્યું કે, રીક્ષા ચાલકોની માંગને લઈ સરકારે કેટલાક નિર્ણય લીધા છે. જેમાં, રિક્ષા ચાલકોને લાયસન્સ માટે કમ્પ્યુટર ટેસ્ટ આપવો પડે છે, જેમાં કેટલાકને કમ્પ્યુટરની માહિતી નથી હોતી તો તેમને હવે સરકાર ટ્રેનિંગ પણ આપશે. આ સિવાય બીજા માંગ તેમની એલએમવી લાયસન્સ આપવામાં આવે છે, અને ડ્રાઈવિંગ ટેસ્ટમાં ફોર વ્હીલર ગાડી ચલાવવા આપવામાં આવે છે તે હતી, તો આ મુદ્દે પણ સરકારે નિર્ણય લીધો છે કે, હવે રીક્ષા ચાલકો માટે રીક્ષાનો જ ડ્રાઈવ ટેસ્ટ લેવામાં આવશે.