Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજયભરમાં ગ્રાન્ટેડ શાળાઓનાં સંચાલકો ઘણાં સમયથી રાજ્ય સરકારની ગ્રાન્ટેડ શાળાઓની ગ્રાન્ટ નીતિ અંગે નારાજ હતાં. જો કે હવે સરકારે પોતાની આ નીતિમાં યુ ટર્ન લઈને આ શાળાઓનાં સંચાલકોને રાજી કરી લીધાં છે. આ અંગેનાં સરકારનાં નિર્ણયની શિક્ષણમંત્રીએ જાહેરાત કરી દીધી છે. રાજયમાં ઘણાં વર્ષોથી સરકારની નીતિ અનુસાર, ગ્રાન્ટેડ શાળાઓને આપવામાં આવતી ગ્રાન્ટ સંબંધિત શાળાનાં બોર્ડ પરીક્ષા પરિણામો પર આધારિત હતી. એટલે કે જે શાળાઓનું ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓનું પરિણામ સારું આવે તે શાળાઓને વધુ ગ્રાન્ટ આપવામાં આવે અને જે શાળાઓનું બોર્ડ પરિણામ નબળું હોય તે શાળાઓની ગ્રાન્ટમાં પરિણામ મુજબ કાપ મૂકવામાં આવે જેને કારણે ઘણી બધી શાળાઓની આવક પર અસરો થતી હતી. આથી શાળાઓનાં સંચાલકો દ્વારા ઘણાં સમયથી આ મુદે સરકાર પર દબાણ લાવવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ મુદે શાળા સંચાલક મંડળ દ્વારા સરકારમાં અનેકવખત રજૂઆતો કરવામાં આવી હતી અને થોડાં સમય પહેલાં શાળા સંચાલક મંડળની બેઠકમાં આ મુદે ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો અને સરકારને આ ઠરાવ અંગે જાણ પણ કરવામાં આવી હતી છતાં સરકાર આ મુદે ટસની મસ થઈ ન હતી. જેને કારણે શાળા સંચાલક મંડળમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી જોવા મળતી હતી. ત્યારબાદ સરકાર વતી શિક્ષણમંત્રી કુબેર ડીંડોરએ આ મુદે જાહેરાત કરી છે કે, પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરવામાં આવી છે. સરકારની આ જાહેરાતને શાળા સંચાલક મંડળે વધાવી લીધી છે.