Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજયમાં હજારોની સંખ્યામાં ગેરકાયદે ધાર્મિક બાંધકામો છે, જે પૈકી ઘણાં બાંધકામ તો જાહેર માર્ગો પર પણ છે. આ પ્રકારના બાંધકામ દૂર કરવા અંગે અગાઉ હાઇકોર્ટે સરકારને સૂચનાઓ આપી હતી, આમ છતાં મહાનગરપાલિકાઓએ આ બાબતમાં ખાસ કોઈ કામગીરીઓ કે કાર્યવાહીઓ કરી ન હોવાનું બહાર આવ્યું છે. આ મામલામાં હાઇકોર્ટ સરકારની કામગીરીઓ અને જવાબથી નારાજ છે.
આ મામલાની સુનાવણી વખતે વડી અદાલતે ગંભીર અને માર્મિક ટકોર કરતાં સરકારને કહ્યું: જાહેર રસ્તાઓ સહિતના સ્થળો પર જે ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો છે તે હટાવવા અદાલતના આદેશ પછી પણ તમે આ પૈકી માત્ર 23.30 ટકા ગેરકાયદેસર બાંધકામો જ દૂર કરી શક્યા છો…આવા બાંધકામો હટાવવા ખુદ સુપ્રિમ કોર્ટનો પણ આદેશ છે, આ આદેશના પાલન માટે તમે (સરકારે) શું કર્યું ? આ પ્રશ્ન પણ અદાલતે સરકારને પૂછેલો.
વડી અદાલતે સરકારને વધુમાં કહ્યું કે, આ મામલે નીતિવિષયક નિર્ણય લીધો હોવાનું કહી સરકાર પિટિશનનો નિકાલ કરી શકે નહીં, વાસ્તવમાં તમે કોઈ નક્કર પગલાંઓ લીધાં જ નથી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધા માયીની ખંડપીઠે સરકારને એમ પણ કહ્યું કે, માત્ર મહાનગરપાલિકા વિસ્તારો જ નહીં, સમગ્ર રાજયમાં આ માટે શું પગલાંઓ લેવામાં આવ્યા અને શી કામગીરીઓ કરવામાં આવી ? તેની આંકડાકીય માહિતી સાથે વિસ્તૃત રિપોર્ટ સરકારે ફરી વખત અદાલત સમક્ષ રજૂ કરવાનો રહેશે.
વડી અદાલતે આ સુનાવણી કરી એ પહેલાં સરકાર તરફથી ગૃહ સચિવે અદાલત સમક્ષ સોગંદનામું કર્યું હતું. જે અંગે અદાલતે કહ્યું: આ સોગંદનામું અધૂરૂં, અસ્પષ્ટ અને અપૂરતી વિગતો સાથેનું હોય અદાલતને તે અંગે અસંતોષ છે. સરકાર એક્શન પ્લાનની વાત કરે છે પરંતુ આ સોગંદનામામાં એક્શન પ્લાન અંગેની કોઈ વિગતો જ નથી. સરકારના સોગંદનામામાં હકીકતોને લઈને કોઈ જ સ્પષ્ટતાઓ ન હોય, સરકારે ફરીથી અદાલત સમક્ષ નવું સોગંદનામું રજૂ કરવાનું રહેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં આ પ્રકારના 14,000થી વધુ ગેરકાયદેસર બાંધકામો છે.18 વર્ષ અગાઉ ખુદ સુપ્રિમ કોર્ટે આ માટે આદેશ કરેલો છતાં દેશભરની રાજ્ય સરકારોએ આ દિશામાં નોંધપાત્ર કામગીરીઓ કે કાર્યવાહીઓ કરી નથી.