Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજ્યભરમાં ગેરકાયદે બાંધકામો એક મોટો વિષય છે. સરકાર તથા મહાનગરપાલિકાના કાયદાઓ તથા નિયમો અને જોગવાઈઓનો ભંગ કરીને હજારો બાંધકામો વર્ષોથી થતાં રહ્યા છે ! અને, થતાં પણ રહેશે. ખુદ સરકાર જ પછીથી, આવાં ગેરકાયદે બાંધકામો નિયમિત કરી આપે છે ! તેનાં બદલામાં નાણાં જમા કરી લ્યે છે. આ પ્રક્રિયામાં સરકારનાં પોતાના કાયદાઓને જાણીજોઈને ભૂલી જવામાં આવે છે ! તેથી બાંધકામોના કાયદાઓને માન આપનારાઓ અચરજ અનુભવી રહ્યા છે. રહેણાંક અને કોમર્શિયલ ક્ષેત્રમાં રહેલાં ગેરકાયદે બાંધકામો સાથે હવે ઔદ્યોગિક ગેરકાયદે બાંધકામો પણ સરકાર નિયમિત કરી આપશે.
રાજ્યનાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે – ઔદ્યોગિક ક્ષેત્રમાં રહેલાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરી આપવામાં આવશે. તેઓએ જણાવ્યું છે કે, રાજ્યનાં સૂક્ષ્મ -નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનાં આશય સાથે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. ઉદ્યોગમંત્રીએ કહ્યું : રાજયની ઔદ્યોગિક વસાહતોમાં આવેલાં ગેરકાયદે ઔદ્યોગિક બાંધકામોને નિયમિત કરવા સરકારે નીતિવિષયક નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર 50 ચો.મી.થી 300 ચો.મી. સુધીનું કદ ધરાવતાં તમામ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોના ગેરકાયદે બાંધકામોને નિયમિત કરી આપવામાં આવશે.
ઉદ્યોગમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે આપણું ગુજરાત કેમિકલ, પેટ્રોકેમિકલ, ઓટો, ફાર્માસ્યુટિકલ, ઈજનેરી અને ટેકસટાઇલ સહિતના ઉદ્યોગોમાં અન્ય રાજયોની સરખામણીએ આગળ છે ત્યારે સરકારનો આ નિર્ણય રાજ્યનાં ઉદ્યોગોને પ્રેરકબળ પૂરું પાડનારો બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં અંદાજે 30,000 થી વધુ બાંધકામો ગેરકાયદે છે. જે પૈકી નાનાં ઉદ્યોગોને સરકારનાં આ નિર્ણયનો લાભ મળશે એવું સમજાઈ રહ્યું છે.