Mysamachar.in-રાજકોટ:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં મોટી વયના લોકોના મૃત્યુ માફક 25-30 વર્ષના યુવાનોથી માંડીને 50 ની આસપાસની વયના લોકોના મોત થતાં હોય, એવા બનાવો અવારનવાર જાહેર થઈ રહ્યા છે અને તેની પાછળ હાર્ટએટેકને બિનસતાવાર રીતે કારણ ગણાવવામાં આવી રહ્યું છે. પરંતુ રેકર્ડ પરની વિગતો મુજબ, આ પ્રકારના મામલાઓ પાછળ હાર્ટએટેક જ જવાબદાર છે, એવું રેકર્ડ પર કયાંય સાબિત થતું નથી.
રાજકોટમાં 8 વર્ષ બાદ રાજ્યભરના IMA તબીબોની મહાપરિષદ યોજાઈ. આ મહાપરિષદમાં નિષ્ણાંત તબીબોએ સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતન કર્યું અને ચિંતાઓ વ્યક્ત કરી. શારીરિક શ્રમનો અભાવ, બેઠાડું જીવન, ખાવાપીવાની ખોટી આદતો અને ચિંતાજનક રીતે વધી રહેલું વાયુ પ્રદૂષણ લોકોની જિંદગીને જોખમમાં મૂકે છે, એવો મત અહીં પ્રગટ થયો.

જામનગર, રાજકોટ અને સુરત જેવા શહેરો ફૂડ કેપિટલ બની ગયા છે. લોકો આડેધડ રીતે તળેલાં પદાર્થો, સ્વીટ પદાર્થો અને ચીઝ સહિતની બનાવટોના પદાર્થો બેફામ ઝાપટે છે. બીજી તરફ, લોકોમાં શારીરિક શ્રમનો અભાવ છે, જિંદગીઓ બેઠાડુ છે અને વાહનો તથા ઉદ્યોગોને કારણે વાયુ પ્રદૂષણ અત્યંત ચિંતાજનક છે. આથી લોકોમાં હ્રદયરોગ અને ફેફસાના રોગોનું પ્રમાણ જોખમી રીતે આગળ વધી રહ્યું છે, એવા અભિપ્રાય આ મહાપરિષદમાં નિષ્ણાંત તબીબોએ વ્યક્ત કર્યા.
આ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં નાની વયના લોકોના મોત થઈ રહ્યા છે. તેની પાછળ બિનસતાવાર રીતે હાર્ટએટેકને જવાબદાર લેખવામાં આવે છે. પરંતુ નિષ્ણાંત તબીબો આ બાબત અલગ રીતે જૂએ છે. તબીબો કહે છે, આ પ્રકારના મોતના મામલાઓમાં ઓટોપ્સી એટલે કે પોસ્ટમોર્ટમ થાય તો જ ખ્યાલ આવે કે, આ પ્રકારના મોત કેવી રીતે થઈ રહ્યા છે.(symbolic image)
