Mysamachar.in:અમદાવાદ
રવિવારે અમદાવાદ ખાતે મેડિકલ એસોસિએશનનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રીએ મીડિયામાં થતી સરકાર અને નેતાઓની ટીકાઓ અંગે આડકતરી રીતે અસંખ્ય લોકોને સાનમાં સમજાવી દીધું હતું કે, મીડિયામાં થતી ટીપ્પણીઓને સૌએ હકારાત્મક લેવી જોઈએ. તેમાંથી શીખવાનું હોય છે. મેડિકલ એસોસિએશનના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ મીડિયામાં ટીકાઓ કે ટીપ્પણીઓ થાય તો તેનો અવળો અર્થ ન તારવવો જોઈએ. ટીકાઓમાંથી શીખવાનું હોય, આપણી ક્યાંય ભૂલ થઈ હોય કે થતી હોય તો મીડિયા અહેવાલોને ધ્યાનમાં લઈ ક્ષતિઓ નિવારી લેવી જોઇએ. સુધારો કરી લેવાનો હોય. મીડિયામાં કોઈ પણ ટીકાઓ કે ટીપ્પણીઓ થાય તો નેતાઓ કે કાર્યકરોએ કે અધિકારીઓએ, કોઈએ પણ રોષે ન ભરાવું જોઈએ. મીડિયાકર્મીઓ એમનું કામ કરે છે. આપણે આવી ટીકાઓને હકારાત્મક લેવી જોઈએ અને આપણી ભૂલો સુધારી લેવી જોઇએ.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં જાણીતી ન્યૂઝ ચેનલ ABP અસ્મિતા પર પ્રસારિત થતાં લોકપ્રિય કાર્યક્રમ ‘હું તો બોલીશ’ નો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમમાં આપણું નામ આવે તો આઘુંપાછું ન થવું જોઈએ. આપણે ક્ષતિઓ દૂર કરવાની હોય, કામમાં સુધારો લાવવો જોઈએ. આ પ્રકારના સમાચારને સૌએ હકારાત્મક લેવા જોઈએ. આ સંકેત આપી મુખ્યમંત્રીએ પક્ષ તથા સરકારના ઘણાંબધાં લોકોને મીડિયાકર્મીઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ તેની આડકતરી શીખ આપી દીધી.
અત્રે ઉલ્લેખનિય છે કે, મીડિયાકર્મીઓ દ્વારા પ્રગટ થતાં હકીકતલક્ષી રિપોર્ટથી ઘણાં નેતાઓ તથા સરકારના પ્રતિનિધિઓ એવા અધિકારીઓ અહેવાલો પાછળની લાગણીઓ સમજયા વિના નારાજ થતાં હોય છે અને મીડિયા પ્રત્યે પૂર્વગ્રહ સેવતા હોય છે. તેઓ સૌ માટે મુખ્યમંત્રીની આ સલાહ સોનેરી પૂરવાર થઈ શકે. મુખ્યમંત્રી ઘણી બધી બાબતોમાં સ્પષ્ટવક્તા હોવાથી અને વ્યવહારમાં નમ્ર હોવાથી મૃદુ છતાં મક્કમ મુખ્યમંત્રીની છાપ ઉપસાવી શકયા છે.