Mysamachar.in-ગાંધીનગર:
જામનગરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુન્હાખોરીની દુનિયામાં માથું ઊંચકનારા ભૂમાફિયા જયેશ પટેલ પર કેટલાય ગુન્હાઓ નોંધાયેલા છે, પરંતુ ના માત્ર જયેશ પટેલ પણ જયેશ પટેલની ગેંગનો ખાત્મો બોલાવવા રાજ્ય સરકાર દ્વારા ચુનંદા અધિકારી એવા IPS દીપન ભદ્રનને જામનગરમાં મુકવામાં આવ્યા બાદ જયેશ પટેલના સાગરીતો પર ખાનગીરાહે તવાઈ બોલાવી ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધી મહિનાઓથી જેલમાં સબડતા કરી દેવામાં પોલીસને સફળતા મળી છે, ત્યારે જયેશ પટેલ પણ લંડનમાંથી ઝડપાઈ ચૂક્યાની વાત કેટલાક દિવસોથી વહેતી થઇ હતી, પણ તેને સતાવાર સમર્થન નહોતું મળતું…પરંતુ હાલ ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જે જણાવ્યું અને તેવોના સોશ્યલ મીડિયામાં જોવા મળે છે તેમ તેવોએ કહ્યું કે…
ગુજરાતની સુરક્ષામાં વધારો થાય અને પોલીસકર્મીઓને પૂરતું બળ મળે એ આશયથી રાજ્ય સરકારનાં “ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ” (GUJCTOC) અંતર્ગત જામનગરનો કુખ્યાત ભૂમાફીયા અને ખંડણીનો ગુનેગાર, 45 જેટલા ગુનાઓનો આરોપી એવા જયસુખ મૂળજી રાણપરિયા ઉર્ફે જયેશ પટેલને ભારતીય-લંડન પોલીસના સંયુકત ઓપરેશનમાં દબોચીને ગુજરાત સરકારની ‘પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ’થી ધરપકડ કરવામાં આવી છે.ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે જયેશ પટેલ છાશવારે જામનગરમાં લોકોને હેરાનગતી કરતો હતો, અને લંડનમાં બેઠો-બેઠો નેટવર્ક ચલાવતો હોય તેથી જયેશ આણી ટોળકીને કાયદાનું ભાન કરાવવા જામનગર ખાતે સારા અધિકારીને મોકલી અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોય તેની ત્યારે ઇન્ટરપોલ, સીબીઆઈ જેવી એજન્સીઓની મદદથી જયેશ પટેલ સુધી પહોચવામાં આવ્યું છે, લંડનમાં બેસી અને જામનગરમાં ફાયરીંગ કરાવનાર જયેશને ત્યાની પોલીસની મદદથી ધરપકડ કરાઈ છે.આમ જયેશ પટેલ લંડનમાંથી ઝડપાઈ ચૂક્યાની વાતને ગૃહમંત્રીએ સતાવાર સમર્થન આપ્યું છે.