Mysamachar.in-અમદાવાદ:
OBC શબ્દ ચૂંટણીઓ સમયે અને આડે દિવસે પણ ગાજતો રહે છે કેમ કે, વસતિમાં આ સમાજનો હિસ્સો નોંધપાત્ર રીતે મોટો છે, પણ ગુજરાતમાં રેકર્ડ પરની કેટલીક હકીકતો એવી રહી છે કે, રાજયની વડી અદાલતે ખુદે OBC સંબંધે રાજય સરકારને ખખડાવવી પડી છે અને આકરી ટકોર પણ કરવી પડી છે, આ હકીકતો જાણવા જોગ છે.
રાજયમાં કાયમી OBC આયોગ જ નથી, માત્ર એક જ સભ્યથી આ આયોગ ચલાવવામાં આવે છે અને જાણે કે આ આયોગ માત્ર ફરિયાદો લેવાની જ કામગીરીઓ કરતું હોય તેવી સ્થિતિ હોવાને કારણે રાજયની વડી અદાલતે ખુદે OBC સંબંધે સરકારને આકરી ટકોર કરવી પડી છે.
રાજયમાં કાયમી OBC કમિશન ન હોવાને મામલે વિવાદ હોય, આ મામલો હાલ હાઈકોર્ટમાં સુનાવણી પર છે. વડી અદાલતે સરકારને ખુલાસો કરવા કહ્યું છે. OBC કમિશન માત્ર એક જ સભ્યથી ચલાવવામાં આવે છે. વડી અદાલતે કહ્યું: સરકાર આ આયોગ પાછળ કેટલો ખર્ચ કરે છે તે મહત્વની બાબત નથી, મહત્વનો મુદ્દો એ છે કે, આ આયોગ કેવી રીતે કામ કરી રહ્યું છે. આ આયોગ માત્ર ફરિયાદો સ્વીકારવા જ નથી બન્યું, સરકારી વ્યવસ્થામાં હાલ આ આયોગ માત્ર શોભાનો ગાંઠિયો બની ગયું છે.
આર્થિક પછાત વર્ગો બાબતની ચકાસણીઓ, સમાવેશ કે દૂર કરવાની કામગીરીઓ હાલ ન થઈ રહી હોવાનું વડી અદાલતે પ્રાથમિક અવલોકન કર્યું છે. આયોગની કામગીરીઓ સહિતની બાબતો અંગે સ્પષ્ટતાઓ કરવા અદાલતે સરકારને નિર્દેશ આપ્યો છે. OBC જ્ઞાતિઓનો સમયાંતરે સર્વે થયો નથી એ હકીકત અંગે પણ અદાલતે નોંધ લીધી છે. અને રાજ્ય સરકારે અદાલતમાં રજૂ કરેલું સોગંદનામું પણ ઘણી બધી સ્પષ્ટતાઓ ધરાવતું ન હોવાનું પણ અદાલતે નોંધ્યુ છે.
NCBCમાં પાંચ સભ્યો હોય છે જેની સામે ગુજરાતમાં આ આયોગમાં એક જ સભ્ય હોવા અંગે પણ અદાલતે સરકારનો ખુલાસો માંગ્યો છે. વડી અદાલતે આ કેસમાં અરજદારને પણ કેટલાંક નિર્દેશ આપ્યા છે. હવે આ મામલાની સુનાવણી આગામી 20 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.