Mysamachar.in:ગુજરાત
ઘણાં બધાં કેસ એવાં હોય છે જેમાં ડીફોલ્ટ જામીનનો મુદ્દો મહત્વનો હોય છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે, ડીફોલ્ટ જામીન પ્રત્યેક તહોમતદારનો મૂળભૂત અને બંધારણીય અધિકાર છે. આ પ્રકારના CBI સંબંધિત એક કેસમાં સુપ્રિમ કોર્ટે રૂલીંગ આપ્યું છે. જે જાણવું રસપ્રદ રહેશે. એક મહિલા CBI સામે કાનૂની જંગ લડી રહી છે. આ મહિલાનો પતિ CBIના એક કેસમાં આરોપી છે. આ કેસની કાર્યવાહી દરમિયાન, સુપ્રિમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, જો ગુનો મોતની સજાને પાત્ર હોય અથવા આજિવન કેદની સજા કરી શકાય તેમ હોય અથવા દસ વર્ષથી ઓછી સજા થઈ શકે એમ ન હોય તો, CrPC ની કલમ 167(2)મુજબ ટ્રાયલ કોર્ટ મેજિસ્ટ્રેટ આરોપીને 90 દિવસનું ડીટેન્શન આપી શકે છે અને અન્ય કેસોમાં આ ડીટેન્શન વધુમાં વધુ 60 દિવસનું હોય છે.
આ પ્રકારના કિસ્સાઓમાં આરોપીનાં જામીન નકારવા, તપાસ પૂર્ણ કર્યા પહેલાં, અધૂરું ચાર્જશીટ દાખલ ન કરી શકાય. કારણ કે, ડીફોલ્ટ જામીન આરોપીનો મૂળભૂત અધિકાર છે. આ પ્રકારનું અધૂરું ચાર્જશીટ આરોપીને જામીન મેળવવાનાં તેનાં મૂળભૂત અધિકારથી વંચિત રાખી શકે નહીં. CBI એ કરેલાં એક કેસમાં એક આરોપીની પત્નીએ અદાલતમાં એવી અરજી કરી હતી કે, તપાસ અધૂરી છે. છતાં તેનાં પતિને ડીફોલ્ટ જામીનથી વંચિત રાખવામાં આવેલ છે. આ કેસમાં અદાલતે આ આરોપીને ઉપરોક્ત ટિપ્પણીઓ સાથે ડીફોલ્ટ જામીન આપ્યા છે. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું કે, નાગરિક સ્વાતંત્ર્ય જાળવવાની જવાબદારી બંધારણે સુપ્રિમ કોર્ટને સોંપી છે. અદાલતે કહ્યું : સીઆરપીસીની કલમ 167(2) મુજબ ડીફોલ્ટ જામીનનો અધિકાર બંધારણના આર્ટિકલ 21 હેઠળ પ્રત્યેક નાગરિકને મળે છે.






