Mysamachar.in:ગાંધીનગર
રાજયમાં ખેડૂતોની વીજમાંગ કાયમ સમાચારોનો મુદ્દો રહ્યો છે કેમ કે, ખેડૂતોને 24 કલાક વીજળી આપવામાં આવતી નથી. ખેડૂતોને આઠ-દસ કલાક વીજળી અંગે પણ અવારનવાર ચર્ચાઓ થતી રહે છે, બીજી તરફ વાસ્તવિકતા એ છે કે, વીજ પૂરવઠો એકધારો અને પૂરતાં દબાણથી નથી મળતો એવી ખેડૂતો દ્વારા ફરિયાદૉ થતી રહેતી હોય છે. ખાસ કરીને જ્યારે જ્યારે વરસાદ ખેંચાયો હોય છે ત્યારે ત્યારે ખેડૂતોની હાલત વધુ કફોડી થતી હોય છે.
દરમિયાન એવું પણ જાણવા મળે છે કે, છેલ્લા ત્રણ વર્ષથી રાજયમાં નવા વીજગ્રાહકોને વીજજોડાણ આપવાની પ્રોસેસ પણ ધીમી પડી ગઈ છે. 2019-20 માં 1,25,883 અરજદારોને વીજજોડાણ આપવામાં આવ્યા હતાં. 2020-21 માં 77,762 અરજદારોને જ વીજજોડાણ આપી શકાયા હતાં. 2021-22 માં 62,977 અરજદારોને વીજજોડાણ આપવામાં આવ્યા હતાં. ત્યારે એવું જાહેર થયું હતું કે, કોરોનાને કારણે કામોમાં વિલંબ થયો. વર્ષ 2022-23 માં રાજયના કુલ 72,734 અરજદારોને વીજજોડાણ આપી શકાયા હતાં.
સૂત્રો અનુસાર, હાલમાં વર્ષ 2024-25 માટે 29,471 વીજજોડાણ પેન્ડિંગ છે. આ ટાર્ગેટ પાર પડશે પછી ખેડૂતો માંગશે ત્યારે વીજળી આપી શકાશે. કેમ કે, વીજજોડાણ આપવાની કામગીરીઓ પહેલાં નિપટાવવી પડે એમ છે. બીજાં શબ્દોમાં કહીએ તો, 24 કલાક વીજળી માટે ખેડૂતોએ હજુ રાહ જોવી પડશે. રાજયના ઉર્જામંત્રી કનુ દેસાઈ ખુદ કહે છે કે, રાજયમાં વીજળીનો દુરુપયોગ ન થાય તે પણ જોવાનું હોય છે. પરંતુ આગામી વર્ષોમાં સરકારનું આયોજન છે કે, ખેડૂતોને માંગો ત્યારે વીજજોડાણ મળે. અને ચોવીસ કલાક વીજળી મળે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં ખેડૂતો માંગણી કરે પછી વીજજોડાણ મળતાં 4 મહિનાથી માંડીને 12 મહિના સુધીનો સમય નીકળી જાય છે. કારણ કે, નવા વીજજોડાણ માટે નવા થાંભલા અને વીજલાઈન પાથરવી પડતી હોય છે, આ કામોમાં વિલંબ થાય છે .અને વર્ષ દરમિયાન અમુક સમય તો આ કામગીરીઓ થઈ પણ નથી શકતી. વરસાદ અને પવનને કારણે પ્રતિકુળતાઓ ઉભી થતી હોય છે.
એવું જાહેર થયું છે કે, ઘરગથ્થુ વપરાશની વીજળી પ્રતિ યુનિટ રૂપિયા 4-5 ના ભાવે વેચાણ કરવામાં આવે છે. કોમર્શિયલ ઉપયોગની વીજળી રૂપિયા 6-7 ના ભાવે આપવામાં આવે છે. જયારે ખેડૂતોને પ્રતિ યુનિટ વીજળી માત્ર 60 પૈસામાં આપવામાં આવે છે. હાલ રાજયમાં કુલ 20 લાખ કૃષિ વીજજોડાણ છે. જે પૈકી 50 ટકા જેટલાં વીજજોડાણ પાછલાં 10 વર્ષમાં આપવામાં આવ્યા છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, વાવાઝોડાને કારણે પણ વીજતંત્રએ સેટબેક સહન કરવો પડયો છે.