Mysamachar.in-અમદાવાદ:
મોરીસ નામનો એક શખ્સ છેલ્લા 50 કલાકથી રાજયમાં નકલી જજ તરીકે કુખ્યાત બની રહ્યો છે, તેની અસલી હકીકતો એવી છે કે, પોતે વકીલ ન હોવા છતાં 25-30 વર્ષથી વકીલ તરીકેનો રોફ અને મજા માણી રહ્યો છે અને પાંચ વર્ષથી તો તે નકલી જજ તરીકે, પોતાની જ નકલી કોર્ટનું સંચાલન કરી રહ્યો હતો, આટલાં વર્ષો સુધી સૌ સંબંધિતો ઘોરતાં રહ્યા અને હવે ફરિયાદોની વાતું થઈ રહી છે.
નવાઈની વાત એ પણ છે કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત વતી એક વકીલે 18 વર્ષ અગાઉ મોરીસ નામના આ શખ્સની તપાસ કરાવવા, કુંડળી ચકાસવા સંબંધિત સત્તાવાળાઓનું ધ્યાન દોર્યું હતું. છતાં મોરીસની મજા કોઈ બગાડી શક્યું નહીં. અને, બીજી નવાઈની વાત એ પણ છે કે, આ નકલી જજ પોતાની નકલી કોર્ટ મારફતે જમીનો સંબંધિત જે હુકમો કરતો, તે હુકમોના આધારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ- તે જમીનોના રેવન્યુ રેકર્ડમાં નકલી હુકમ મુજબની અસલી રેવન્યુ નોંધ પણ દાખલ કરી આપતાં હતાં ( આ ભૂલો હોય કે સામેલગીરીઓ ?!).
રાજ્યના અલગઅલગ શહેરોની 6 સરકારી જમીનો અને જુદી જુદી મહાનગરપાલિકાઓ હસ્તકની 4 જમીનોની કિંમત કરોડો રૂપિયાની છે. આ તમામ 10 જમીનોનું મોરીસ નામના આ શખ્સે નકલી કોર્ટ-જજ તરીકે કલ્યાણ કરી નાંખ્યુ છે. જો કે, આ તમામ મામલાઓની ઝીણવટથી ચકાસણીઓ થાય તો, અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી પણ બહાર આવી શકે. પરંતુ આવી તપાસોમાં કોઈને ‘રસ’ હોતો નથી.
મોરીસ નામના આ શખ્સે પોતાની નકલી કોર્ટ મારફતે, પોતે નકલી જજ તરીકે જે મામલાઓમાં હુકમો કર્યા છે, તે પૈકી 9 મામલા સંબંધે અમદાવાદની અસલી સિટી સિવિલ કોર્ટ આજે હુકમો જાહેર કરશે. મોરીસ નામનો આ શખ્સ ગુજરાત કે ભારતમાં કયાંય પણ નોંધાયેલી વકીલ તરીકેની કોઈ જ સનદ ધરાવતો નથી. તેનો દાવો એવો છે કે, તેની પાસે વકીલ તરીકેની લંડનની ડિગ્રી છે. આ નકલી જજ કહે છે, મને આરોપી તરીકે ન ચિતરો, પોલીસે મને માર મારીને ગુનાઓની કબૂલાતો લીધી છે.
રાજ્યના પાટનગરમાં આ નકલી કોર્ટ-જજ આટલાં વર્ષોથી સેકટર-24 માં ધમધમતા રહ્યા, ત્યાં સુધી કોઈએ કદી, કોઈ શંકા વ્યક્ત ન કરી, કોઈએ કોઈ પણ પ્રકારની તપાસ ન કરી. નકલી કોર્ટ-જજના હુકમોની અસલી અસરો સરકારી રેકર્ડમાં પણ દાખલ કરી દેવામાં આવી. આ બધી જ ‘માયા’ પાટનગર ગાંધીનગરનું એક વધુ અચરજ ન કહેવાય ?!