Mysamachar.in-જામનગર
વરસાદની દ્રષ્ટિએ સમગ્ર હાલારમાં શ્રાવણ મહિનો ભડભાદર રહ્યો છે, શ્રાવણના સરવડાની કહેવત ખોટી પડી છે અને સર્વત્ર વરસાદનું દે ધનાધન ચાલી રહ્યું હોય, હવે તો લાખો લોકોને લીલા દુષ્કાળનો ભય સતાવી રહ્યો છે, સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતની સાથેસાથે જામનગર સહિત સમગ્ર હાલારમાં મેઘરાજા આક્રમક રૂપમાં જોવા મળી રહ્યા છે. હાલારમાં વરસાદના આ રાઉન્ડમાં જામનગરનું કાલાવડ અને દ્વારકા જિલ્લાનું ખંભાળિયા તરબતર થઈ ગયા છે.
ભારે વરસાદને કારણે સમગ્ર હાલારમાં લોકો તથા પશુઓ માટે અકળાવનારા દિવસો પસાર થઈ રહ્યા છે. જામનગર શહેરમાં તો નદીકાંઠા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિઓ પણ જોવા મળી. જિલ્લામાં પણ જળાશયો ઓવરફલો થઈ રહ્યા હોય ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓ તોફાની સાબિત થઈ રહી છે. દરમિયાન, વરસાદનું નેશનલ બુલેટીન એમ જણાવી રહ્યું છે કે, સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજથી 30 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ગમે ત્યાં વરસી શકે છે.
આજે મંગળવારે સવારે ૬ વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં જામનગર શહેરમાં 4 ઇંચ, કાલાવડમાં 4 ઇંચ, લાલપુર સાડા ચાર ઇંચ, જામજોધપુર 4 ઇંચ, જોડિયા અને ધ્રોલમાં ઝાપટાઓ પડ્યા છે.
