Mysamachar.in:જામનગર
જામનગરના દરેડ નજીક થોડા દિવસો પૂર્વે એક મહિલાની તેના ઘરમાં ઘુસી ગળેટૂંપો આપી હત્યા નીપજાવવાનો મામલો સામે આવ્યા બાદ જામનગર ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ ગુન્હો ઉકેલવા માટે અલગ અલગ દિશાઓમાં પ્રયત્નશીલ હતી દરમિયાન એલસીબી પી.આઈ.જે.વી.ચૌધરીના માર્ગદર્શનમાં ASI સંજયસિંહ વાળા, યશપાલસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા અને પંચ બી ના નિર્મળસિંહ જાડેજા અને કે.સી.જાડેજાને મળેલ હકીકતના આધારે તપાસનું પગેરું મધ્યપ્રદેશ સુધી લંબાવતા આરોપીને દબોચી લેવામાં સફળતા મળી છે.
આ ઘટના કઈક એવી હતી કે જામનગર નજીક દરેડમાં ગત તારીખ 22 એપ્રિલના રોજ કમલાસીંગ બલરામસીંગ બઘેલની પત્ની મીનાબેન પોતાની ઓરડીમાં એકલી હતી ત્યારે સાંજના સમયે શંકાસ્પદ હાલતમાં તેણીની લાશ મળી આવી હતી. પોલીસને લાશ મળી આવ્યાથી જ શંકા હોય પોસ્ટમોર્ટમમાં હત્યા થઈ હોવાનું ખુલતા પોલીસ અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી વિવિધ પાસાઓ જેવા કે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી એલસીબી અને પંચ-બીએ તપાસ હાથ ધરી સર્વેલન્સની ટીમો કાર્યરત કરી જેમાં હત્યારો હત્યા કરી મધ્યપ્રદેશ નાશી ગયાનું આધારભૂત રીતે જાણવા મળતા ટીમો ત્યાં પહોચી હતી.
હત્યાના બનાવના દિવસે હત્યા કરનાર જવારસીંગ ખુશીરામ જાટવની હાજરી બોલતી હતી અને તે દિવસથી તે તેની પત્નીને લઈને ગુમ હતો. પોલીસ દ્વારા મધ્યપ્રદેશ જઈ તપાસ કરવામાં આવી હતી અને આરોપી જવાહરસીંગને પકડીને પૂછપરછ કરતા તેણે આવેશમાં આવીને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસની પુછતાછમાં હત્યા પૈસાની લેતીદેતીમાં થઈ હતી. જેમાં મહિલા સાથે બોલાચાલી થતા જવારસીંગે તેને ગળાટૂંપો આપી હત્યા કરી નાખ્યાની કબુલાત કરી લીધી છે, એલસીબી અને પંચબી ટીમ દ્વારા આરોપીને મધ્યપ્રદેશથી પકડીને જામનગર ખાતે લાવી રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી છે.