Mysamachar.in-અમદાવાદ
આજના સમયમાં રોજબરોજના છેતરપીંડી અને ઠગાઈના કિસ્સાઓ લોકજાગૃતિ માટે માધ્યમો માં જોવા મળતા હોય છે, છતાં પણ ભણેલ ગણેલ લોકો પણ અજાણી વ્યક્તિ ફોન કે મેસેજ કરી અને જેમ કહે તેમ અનુસરવા લાગે છે અને બાદમાં લાખો ગુમાવી અને પોલીસ મદદ કરે તેવી આશા સાથે પોલીસ મથકના ધક્કાઓ ખાય છે, આવા જ છેતરપીંડી ના બે બનાવો અમદાવાદમાં સામે આવ્યા છે, પ્રથમ કિસ્સામાં એરપોર્ટ પાસે રહેતા એક યુવાન સાથે બ્લૂડાર્ટ કસ્ટમ કેરમાંથી બોલતા હોવાનું કહી ગઠિયાએ પાનકાર્ડ કુરિયર કરી મોકલી આપવાના નામે .2.99 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. રબારીવાસમાં રહેતા સત્યેન્દ્રસિંગ રાજપૂતે પાનકાર્ડ માટે અરજી કરી હતી.દરમિયાન તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો જેણે બ્લૂડાર્ટ કસ્ટમર કેરમાંથી બોલતા હોવાનું કહી સત્યેન્દ્રસિંગને પાનકાર્ડ કુરીયરમાં મોકલી આપવાનું કહી લિંક મોકલી હતી. જેને અનુસરતા તેમના એકાઉન્ટમાંથી રૂ.2.99 લાખ ઉપાડી લીધા હતા.
જયારે બીજી ઘટનામાં શાહીબાગ હનુમાન કેમ્પમાંથી બોલતા હોવાનું કહી એક્ટિવા વેચવાના નામે કુલ 1.44 લાખની છેતરપીંડી આચરવામાં આવી હતી. હાંસોલમાં ખોડિયાર સોસાયટીમાં રહેતા સમીર શર્માને એક્ટિવા ખરીદવાનું હતું. તેણે ઓએલએકસ પર મનજીતસિંગ નામની આઈડી ધરાવતા વ્યક્તિએ એક્ટિવાના ફોટા મુકી રૂ.16 હજારમાં વેચાણ માટે મૂક્યું હતું. જેથી સમીરે તેનો સંપર્ક કર્યો હતો. દરમિયાન સમીર તથા તેના ભાઈના ફોન પે ગુગલ પે તથા ભીમ એપ મારફતે ઓનલાઈન અલગ અલગ ટ્રાન્ઝેકશન કરાવતા રૂ.1.44 લાખની છેતરપિંડી કરી હતી. આમ વારંવાર આવા કિસ્સાઓ છતાં પણ લોકો અજાણ્યા ઈસમોની વાતોમાં આવી જઈને પોતાની મૂડી ગુમાવી દે છે.