Mysamachar.in-જામનગર:
જામનગરની રંગમતી નદી વર્ષો વર્ષ સાંકડી અને છીછરી બની રહી છે અને બીજી તરફ અગાઉના વર્ષોની સરખામણીએ જામનગરમાં હમણાંના વર્ષોમાં બમણાં કરતાં વધુ વરસાદ વરસી રહ્યો હોય- શહેરમાં લગભગ દર ચોમાસે વરસાદી પૂરની સ્થિતિઓ સર્જાઈ રહી છે અને લાખો લોકો પૂરની સ્થિતિઓનો ‘શિકાર’ બની રહ્યા છે. નદીને ઉંડી ઉતારવી- નદીને પહોળી બનાવવી અને નદીના પટમાંથી કાંપ તથા કચરો હટાવવો- આ કામગીરીઓ જામનગરમાં ઘણાં વર્ષોથી થઈ નથી. આ કામગીરી થયેથી તેમાં પાણીની સંગ્રહ શક્તિમાં પણ વધારો થશે તે માટે હાલ ત્યાં જરૂરી કામગીરી પણ ચાલી રહી છે.એવામાં રાજ્ય સરકારમાંથી ખુશીના સમાચાર આવ્યા છે.
જામનગર શહેરમાં ઘણા વર્ષોથી રીવરફ્રન્ટ માટે રજુઆતો કરવામાં આવતી હતી. જેના અનુંસંધાને જામનગરના સાંસદ, રાજ્યના કેબિનેટ મંત્રી, પ્રભારી મંત્રી, તમામ ધારાસભ્યો, જામનગર શહેરના મેયર, કોર્પોરેશનના પદાધિકારીઓ વગેરે દ્વારા અનેક વખત રાજ્યના મુખ્યમંત્રીને આ સંદર્ભે રજુઆતો કરવામાં આવી હતી, જેને સફળતા સાંપડી છે તેમ જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી જણાવે છે.

જે અંગે આજે ગુજરાત સરકાર દ્વારા આ તમામ નેતાઓની રજુઆતોના હકારાત્મક પ્રત્યુત્તર તરીકે મુખ્યમંત્રીએ રંગમતી રીવર રીજુવિનેશન પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂા. 125 કરોડ મંજુર કરવામાં આવેલા છે. જેમાં આ પ્રોજેકટના પ્રારંભીક તબક્કાના કામો માટે રૂા. 25 કરોડની રકમની મંજુરી આપવામાં આવી છે. રીવરફ્રન્ટ અંગેની કરવામાં આવેલ અનેકો રજુઆતને મંજુર કરવા માટે ધારાસભ્ય દિવ્યેશ અક્બરીએ રાજ્યના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત શહેરની રંગમતી-નાગમતી નદીઓની પહોળાઈ તેમજ ઊંડાઈ પણ વધારવામાં આવશે તેમજ આ બંને નદીઓને પોતાના મુળ સ્વરૂપે લઇ આવવા માટે પ્રયાસ પણ કરવામાં આવશે.
-ધારાસભ્ય દિવ્યેશ અકબરી આ પ્રોજેક્ટ વિષે ફેસબુક વોલ પર લખે છે કે…
રંગમતીના કાંઠે ઉભરી રહ્યું છે નવું જામનગર!
અંતરહિત અભિગમ સાથે જામનગરના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલારૂપ રંગમતી રીવરફ્રન્ટ પ્રોજેક્ટ માટેની મારી રજૂઆત અને પ્રયાસોને ધ્યાનમાં રાખી આપેલ સૈદ્ધાંતિક મંજૂરી બદલ મુખ્યમંત્રી Bhupendra Patelનો તથા ગુજરાત શહેરી વિકાસ મિશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. રૂ.25 કરોડની ટોકન રકમ સાથે આ યોજનાનું સ્વરૂપ હકીકતમાં ઊર્જાસ્રોત બની રહેશે. આ યોજના માત્ર નદીના વિકાસ સુધી સીમિત નથી, પરંતુ તેમાં સમાયેલ વિવિધ પર્યાવરણમૈત્રી વિકલ્પો અને પાણીના સંગ્રહને લગતા ઉકેલો જામનગર શહેરના ભવિષ્ય માટે આશાસ્પદ નિર્દેશ આપે છે. સૌ જામનગરવાસીઓને ગૌરવભેર અભિનંદન પાઠવું છું.
-જામનગર ધારાસભ્ય દિવ્યેશ અક્બરીએ આ અંગે મુખ્યમંત્રી સમક્ષ અગાઉ વિસ્તૃત પત્ર દ્વારા રજૂઆત કરી હતી તે આ મુજબ હતી
હાલે જામનગર શહેર 128.40 ચો.કિમી. વિસ્તાર અને અંદાજીત 7.50 લાખ જેટલી વસ્તી ધરાવે છે. આ શહેર ઈતિહાસ, પર્યાવરણ અને આધુનિક્તાનું અલભ્ય સંગમ છે. ઉક્ત વિગત મુજબ આ ગૌરવવંતુ શહેર રંગમતિ તથા નાગમતી નદીઓના કિનારે વસેલું શહેર હોય, જેમાં ચોમાસા ઋતુ દરમિયાન ભારે વરસાદ, ઉપરવાસમાં આવેલ રંગમતી તેમજ રણજીતસાગર ડેમ ઓવરફલો થવા તેમજ નજીકમાં આવેલ દરિયામાં ભરતી આવવાના સંજોગોમાં નદીકાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળે છે અને ત્યાં વસતા લોકોના જાનમાલને ભારે નુક્શાન થાય છે. આ નદીઓના કાંઠા કાચા હોય, જેમાં સમયાંતરે ધોવાણ, કાંઠાની આસપાસની જગ્યામાં દખાલો તથા નદીઓમાં ગંદકીનું પ્રમાણ વધતું જાય છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ રંગમતિ નદીની મૂળ પહોળાઈની માપણી DILR પાસે કરાવવામાં આવેલ છે. અને હાલની સ્થિતિએ નદીમાં કેટલું દબાણ છે તેનો સર્વે કરી અને DPR બનાવવાની કામગીરી કરવામાં આવેલ છે. સદરહુ પ્રોજેક્ટમાં સૌપ્રથમ પ્રથમ ફેઝમાં દરેડ ખોડીયાર માતા મંદિરથી રંગમતી નદી દરિયામા મળે છે ત્યાં સુધી એટલે કે અંદાજીત 12.80 ડીમી. લંબાઈ અને એવરેજ 5 થી 7 મીટર ઊચાઈની પ્રોટેક્શન વોલ રિટેઈનીંગ વોલના ટીપીકલ સેક્શનને પ્લાને લેતા પ્રતિ રનીંગ મીટર દીઠ અંદાજીત 1.50 લાખ થવા જાય છે. જે 12.80 કિમી. ની લંબાઈમાં બંને બાજુ મળી કુલ રૂા. 380 કરોડ જેટલો ખર્ચ થવા પામે છે. પ્રોજેક્ટમાં પાણીના પ્રવાહની પરિસ્થિતિને ધ્યાને લઈ મહાનગર દ્વારા નિમેલ કન્સલ્ટન્ટના અભિપ્રાય મુજબ નદીમાં થોડા ભાગમાં ગેબિયન વોલ કરવા માટેની વિચારણા ચાલુ છે.
-ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પત્ર અન્વયે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પ્રત્યુતર ફાળવાયો તે જણાવે છે કે…
આપના એટલે કે (ધારાસભ્ય દિવ્યેશ અકબરી) દ્વારા તા. 02/09/2024 ના પત્રથી કરેલ જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી રીવર રીજુવિનેશન પ્રોજેક્ટની ભલામણ અન્વયે જણાવાનું કે, સદરહુ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 25 કરોડની ટોકન રકમ માટે પ્રારંભિક કામો સારૂ મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે.
