Mysamachar.in-રાજકોટ:
કાર અને ટ્રક તથા બસ સહિતના વાહનો માતેલા સાંઢ માફક દોડે છે અને લોકોની જિંદગીઓનો ભોગ લેવાતો રહે છે, આ પ્રકારનો વધુ એક ગમખ્વાર અકસ્માત નોંધાયો છે જેમાં સાસુ-વહુના મોત થયા અને પિતા-પુત્રને ઈજાઓ પહોંચતા આ પરિવારમાં ગમગીની અને અરેરાટી વ્યાપી ગઈ છે. શુભ પ્રસંગ બાદ આ પરિવારમાં આ અમંગલ ઘટના બની.
આ દુ:ખદ બનાવની બહાર આવેલી વિગતો એવી છે કે, ગઈકાલે રવિવારે રાજકોટમાં શુભ પ્રસંગમાં ભાગ લઈ એક પરિવારના ચાર સભ્યો, પિતા-પુત્ર અને સાસુ-વહુ ટુ વ્હીલર વાહનો પર રાત્રે રાજકોટથી ગોંડલ તરફ જઈ રહ્યા હતાં ત્યારે આ અમંગલ ઘટના બની. જેમાં સાસુ-વહુના મોત થયા અને પિતા-પુત્રને ઈજાઓ થઈ.

રાજકોટમાં જનોઈનો પ્રસંગ પૂર્ણ કરી બાવનિયા પરિવારના આ ચાર સભ્યો બે ટુ વ્હીલર પર ગોંડલ રોડ પર જઈ રહ્યા હતાં ત્યારે એક ટ્રકે આ બંને ટુ વ્હીલરને હડફેટમાં લઈ લીધાં. આ ઘાતક અકસ્માત કોરાટ ચોક પાસે સર્જાયો. આ જીવલેણ અકસ્માતમાં 49 વર્ષના સાસુ જયોતિબેન મનોજભાઈ બાવનીયા અને 23 વર્ષની વહુ જાનવી વ્યોમભાઈ બાવનીયાના કમકમાટીભર્યા મોત નીપજયા.
આ અકસ્માતમાં ઘવાયેલા પિતા-પુત્રને તાકીદની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને મોડેથી જાહેર થયું કે, આ ગમખ્વાર અકસ્માત સર્જનાર ટ્રકચાલકને ઝડપી લેવામાં આવ્યો છે. ભોગ બનનાર પરિવાર કહી રહ્યો છે કે, પોલીસ આ અકસ્માતને હીટ એન્ડ રન તરીકે લેવા માંગતી નથી. આ બાબતે પોલીસ યોગ્ય કાર્યવાહીઓ નહીં કરે ત્યાં સુધી પરિવારજનો મૃતદેહો સ્વીકારશે નહીં અને પોલીસવડાની કચેરી બહાર ઉપવાસ પર બેસી જશું એમ પણ આ પરિવારે આજે સવારે જાહેર કર્યું.
