Mysamachar.in-રાજકોટ:
સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં આજથી બરાબર એક મહિના અગાઉ સર્જાયેલા ભયાનક અગ્નિકાંડની જવાળાઓ આજે પણ સરકારને તથા તંત્રોને આકરો તાપ પહોંચાડી રહી છે, બીજી તરફ આ ભયંકર દુર્ઘટનાને પરિણામે હચમચી ગયેલી માનવીય સંવેદનશીલતા આજે પણ તીવ્ર આઘાત અનુભવી રહી છે, રાજકોટમાં આજે કોંગ્રેસપ્રેરિત બંધને જબરી સફળતા મળી છે, શહેર સજ્જડ બંધ રહ્યું. વેપારીઓએ લોકસંવેદનાનો પડઘો પાડ્યો છે. આ પ્રકારની સ્થિતિને કારણે સરકાર અને સ્થાનિક પોલીસ પર મોટું દબાણ સર્જાયું છે. બંધને ન ધારેલી સફળતા મળી છે કેમ કે આ અગ્નિકાંડે આજથી એક મહિના અગાઉ લોકોને અંદરથી હચમચાવી મૂક્યા હતાં. લાખો લોકો આ કાળો દિવસ આજે પણ આઘાત તરીકે યાદ કરી રહ્યા છે.
રાજકોટ શહેરના તમામ મુખ્ય વેપારી વિસ્તારો આજના બંધમાં જોડાયા. વેપારીઓએ સ્વૈચ્છિક બંધ રાખ્યો છે. પોલીસે ધાર્યું પણ ન હતું કે, બંધને આટલી સફળતા મળશે. પોલીસ ઈચ્છતી પણ ન હતી કે, બંધ સફળ થાય. કારણ કે, અગ્નિકાંડ સંબંધે રાજકોટ પોલીસની ભૂમિકાઓ વિષે પાછલાં એક મહિનામાં ઘણી ચર્ચાઓ થઈ, ઘણું લખાયું પણ છે તેથી પોલીસ અપરાધભાવનો અહેસાસ કરી રહી છે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓએ આ બંધ સફળ બનાવવા કરેલી અપીલોની મોટી અસર જોવા મળી. દરમિયાન, NSUI અને યુવક કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસ દ્વારા શાળાઓને બંધમાં જોડાવા ભારપૂર્વક વિનંતી કરવામાં આવી હતી, જે પણ સફળ રહી છે. અગ્નિકાંડના મૃતકોના પરિવારજનો દ્વારા સરકાર અને તંત્રો વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. પોલીસે આ આક્રોશ ખાળવા ઘણી કસરત કરવી પડી. મહિલા પોલીસ દ્વારા કેટલીક મહિલાઓની ટીંગાટોળી પણ કરવામાં આવી, કેમ કે આ મહિલાઓ દેખાવો કરી રહી હતી. દેખાવો દરમિયાન પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપરાંત પિડીત પરિવારોના સભ્યોની પણ અટકાયત કરતાં કોંગ્રેસે આ બાબતને પોલીસની ગુંડાગીરી લેખાવી હતી. કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દાવો કર્યો કે, બંધ 99.99 ટકા સફળ રહ્યું. રાજકોટ શહેરમાં આજે સવારથી અફડાતફડીનો માહોલ રહ્યો.