Mysamachar.in-રાજકોટ:
પોલીસ જ જયારે હવાલાનું કામ કરે તો પોલીસ અને ગુનેગાર જેવા તત્વોમાં શું ફરક કહેવાય..? આવા સવાલો આજે ખુદ રાજ્યના પૂર્વ મંત્રી અને રાજકોટના ધારસભ્ય ગોવિંદ પટેલના લેટર બોમ્બ પછી સામે આવ્યા છે, ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના પોલીસ કમિશનર પર કથિત મોટો આક્ષેપ લાગાવતો લેટર બોમ્બ ફોડતા ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે,
આ મામલે ફરિયાદી મહેશ સખીયા તથા તેમના ભાઈ મીડિયા સામે આવ્યા હતા અને સમગ્ર મામલે ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. રાજકોટના મહેશ સખીયાના ભાઈ જગજીવન સખીયાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા નિવેદન આપ્યું હતું કે, છેતરપિંડી અંગેની ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસ કમિશનરે ઉઘરાણીના 15% ટકા કમિશનની કરી માગ કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, પહેલા તો પોલીસ અધિકારી દ્વારા રિકવરી માટે 30% કમિશન સાહેબ માગતા હોવાનું ક્રાઈમ બ્રાંચ PI ગઢવી દ્વારા અમને કહેવામાં આવ્યું હતું, જો કે, ચર્ચાને અંતે 15% રકમ નક્કી કરવામાં આવી હતી અને આમ અમારી પાસેથી 75 લાખ રૂપિયાની ઉઘરાણી રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
પત્રકારોને સંબોધતા વધુમા જગજીવન સખીયાએ કહ્યું કે “રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ એ હવાલા બ્રાન્ચ છે” આ રિકવરી માટે PSI સાખરા નામના વ્યક્તિને વચ્ચે રાખવામાં આવ્યો હતો અને અમારી ફરિયાદ પણ લેવામાં નહોંતી આવી. ત્યારબાદ સમગ્ર મામલે અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કર્યા બાદ તેમના દ્વારા રાજકોટ પોલીસ પર પ્રેશર લાવવામાં આવ્યું અને ફરિયાદ નોંધી હતી. આમ રાજકોટ પોલીસને સાંકળતા આ કથિત હવાલા કાંડને લઈને આગામી સમયમાં રાજકોટ પોલીસ વિભાગમાં મોટી નવા જૂની થશે તેવા એંધાણ પણ મળી રહ્યા છે સાથે જ ગૃહમંત્રી પણ આ મામલે રાજકોટ કમિશ્નર સાથે બેઠક કરી અને વધુ કાર્યવાહી કરશે તેવું જાણવા મળે છે.