Mysamachar.in-રાજકોટ:
કયાંય પણ, કોઈ પણ તોતિંગ કૌભાંડ અથવા કોઈની પાસે કરોડોની અપ્રમાણસર સંપત્તિઓ ઝડપાઈ ગઈ હોવાનું જ્યારે પણ જાહેર થાય ત્યારે, લાંબા સમય સુધી સમગ્ર તપાસની આસપાસ કેટલાંક અહેવાલો પ્રગટ થતાં હોય છે, જે પૈકી ઘણાં અહેવાલો વારતાઓ પ્રકારના અને ઘણાં અહેવાલો વિવાદાસ્પદ અથવા શંકાસ્પદ જણાતાં હોય છે, જેની ખૂબ ચર્ચાઓ થતી હોય છે અને એ દરમિયાન ખરેખરી તપાસમાં શું ગતિ આવી ? કોના કોના નામો ખૂલી શકે અથવા ખૂલ્લા પડ્યા, એવી નક્કર હકીકતો અહેવાલો પાછળ સંતાયેલી રહે છે, અને નિરંકુશ અથવા પ્રોજેક્ટેડ વારતાઓ વાતાવરણમાં ઘૂમરાતી રહે છે, જેને કારણે સ્થિતિ એ ઉભી થતી હોય છે કે, જેતે કાંડની સમગ્ર તપાસ જ શંકાના વાદળોમાં ઘેરાઈ જતી હોય છે, તપાસનું સમગ્ર વાતાવરણ ધૂંધળું બની જતું હોય છે અને તેમાં ઘણાં લોકો બચી જતાં હોય છે અથવા તેમને બચાવી લેવામાં આવતાં હોય છે અને તપાસમાં પણ ‘તોડ’ થતો હોવાની શંકાઓ છેક લોકો સુધી પહોંચી જતી હોય છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની તપાસ પણ આડે પાટે ચઢી ગઈ છે ? લોકો આવું પૂછવા લાગ્યા છે !!
સૌનો અનુભવ એવો છે કે, મોટાં કુંડાળાઓની તપાસ દરમિયાન એક નવું કુંડાળું રચાતું હોય છે, જેમાં સંબંધિત લોકો ‘ગેરલાભ’ અંકે કરી લઈ, આખા મામલાને સૂરસરીયું બનાવી મૂકતા હોય છે અને લાંબી તપાસ પછી છેલ્લે ‘ખાધું, પીધું અને રાજ કર્યું ‘ એવો ઘાટ ઘડાતો રહે છે. રાજકોટના સા-ગઠિયા પ્રકરણમાં પણ આવું જોવા મળે છે ?! તપાસને સાગઠિયા પૂરતી જ મર્યાદિત બનાવી નાંખી મોટાં માથાંઓને બચાવી લેવામાં આવશે- એવું અત્યાર સુધીની ગતિવિધિઓ પરથી સમજાઈ રહ્યું છે. સા-ગઠિયા પાસેથી તપાસનીશ એજન્સીએ કરોડોનો દલ્લો શોધી કાઢ્યો, ત્યારે જ લોકોએ પૂછી લીધું કે, એકલો સાગઠિયા જ ‘ચોર’ છે ? તેની સાથે આ રમતમાં ગાઢ રીતે સંકળાયેલા કોણ કોણ ? લોકોના આ પ્રશ્નનો ઉત્તર કોઈ નથી આપતું.
જ્યારે પણ મોટાં કુંડાળાઓની તપાસ શરૂ થાય ત્યારે એ મતલબના અહેવાલો આવે કે, ‘લાલ ડાયરી’ અથવા ‘કાળી ડાયરી’ મળી આવી અથવા પેન્સિલથી લખેલી યાદીઓ અથવા ફોન નંબરો મળી આવ્યા. અથવા એવું જાહેર કરવા કે કરાવવામાં આવે કે, ફલાણાં પ્રકરણમાં હવે મોટાં માથાંઓ વધેરાશે. સા-ગઠિયા કાંડમાં પણ આવા પગમાથાં વિનાના અહેવાલ પ્રગટ થઈ રહ્યા છે અથવા કોઈના દ્વારા આવું જાહેર કરાવવામાં આવી રહ્યું છે. આ ખેલ ‘નાક દબાવવાનો’ હોય છે !! તપાસ સા-ગઠિયાથી આગળ વધતી જ નથી, સા-ગઠિયાએ અત્યાર સુધી કરોડો રૂપિયા એકત્ર કરવામાં કોની કોની મદદ લીધી ? એ અંગે તપાસનીશ અધિકારીઓ એક પણ શબ્દ જાહેરમાં બોલ્યા નથી. લોકોને એવી શંકાઓ છે કે, સાગઠિયાની પૂછપરછ અને રિમાન્ડ બાદ અંદરખાને ઘણું બધું રંધાઈ રહ્યું છે.
ખરેખર તો, મામલો જ્યારે કરોડોનો હોય, ભ્રષ્ટાચાર મોટો હોય ત્યારે આવકવેરા વિભાગ સહિતની બધી જ એજન્સીઓએ શિકાર પર જાહેરમાં એકસાથે તૂટી પડવું જોઈએ તો લોકોને તપાસનીશ એજન્સીઓ પ્રત્યે અહોભાવ જાગે અને લોકોને એમ પણ થાય કે, સરકાર આ મામલામાં ગંભીર છે. જો આવું ન થાય તો, લોકો સમજી જાય કે, બધે જ- બધાં વારતાઓ કરી રહ્યા છે. રાજકોટનો ભયાનક અગ્નિકાંડ વારતાઓની રાખ હેઠળ ઢબૂરાઈ જશે ? એ પ્રશ્ન લોકોમાં અત્યંત ગંભીર રીતે ચર્ચાઈ રહ્યો છે. આ ચર્ચાઓ અત્યંત સંવેદનશીલ છે.