Mysamachar.in-રાજકોટ:
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે, આજની તારીખે આ કાંડનો ભોગ બનનારા મૃતકોના પરિવારજનો ન્યાય માટે દોડધામ કરી રહ્યા છે, કેમ કે આરોપીઓ દ્વારા આ કેસની કાર્યવાહીઓમાં વિલંબ સર્જવામાં આવી રહ્યો છે. આ બાબતે અદાલતમાં અરજી દાખલ થઈ છે અને આ કેસની સુનાવણી ‘રોજેરોજ’ ચલાવવાની માંગણી થઈ છે.
ગેમઝોન અગ્નિકાંડના અતિ ગંભીર ગુનામાં ઝડપાયેલા 15 આરોપીઓ વિરુદ્ધ અદાલતમાં ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે. આમ છતાં આ કેસની અદાલતી કાર્યવાહીઓ આગળ વધી શકતી નથી. કેટલાંક આરોપીઓ આ કેસને વિલંબમાં નાંખી રહ્યા છે, એ મતલબની અરજી અદાલત સમક્ષ દાખલ થઈ છે. પીડિત પરિવારજનો વતી આ મામલામાં દાખલ થયેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આ કેસની ટ્રાયલ ડે ટુ ડે એટલે કે રોજેરોજ ચલાવવી જોઈએ. અદાલતે આ લેખિત અરજીની સુનાવણી 12મી જૂને કરવામાં આવશે, એમ જાહેર કર્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકોનો ભોગ લેવાઈ ગયો હતો. આ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. અગાઉ કેટલાંક આરોપીઓએ આ કેસમાં પોતાના વકીલ નહીં રોકીને કેસને વિલંબમાં મૂક્યો હતો. ત્યારબાદ આ કેસના 15 પૈકી 5 આરોપીઓએ પોતાની સામેની આ ફરિયાદ રદ્દ કરાવવા ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. જેને કારણે પણ વિલંબ લંબાયો. આ ડિસ્ચાર્જ અરજીની સુનાવણીમાં છેલ્લી 3-3 મુદ્દતથી આરોપીઓના વકીલ અદાલતમાં હાજર રહેતાં નથી. આથી ભોગ બનનાર પરિવારજનોએ ઝડપી ન્યાય મળે તે માટે ડે ટુ ડે કેસ ચલાવવા અરજી કરી છે.

-ACBએ કરેલા કેસોમાં પછી શું થયું ?..
અત્રે ઉલ્લેખનિય છે કે, ગેમઝોન અગ્નિકાંડ કેસની સાથેસાથે જ લાંચ રૂશવત વિરોધી તંત્ર દ્વારા પણ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ TPO મનસુખ સાગઠીયા તેમજ ફાયર ઓફિસર ભીખા ઠેબા વિરુદ્ધ અપ્રમાણસર સંપતિનો એક કેસ ચાલી રહ્યો છે. આ કેસની સુનાવણી 6 જૂને થશે એમ જાણવા મળે છે, જ્યારે ગેમઝોન અગ્નિકાંડના મુખ્ય કેસની સુનાવણી 12 જૂને છે.
