Mysamachar.in:રાજકોટ:
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ તપાસમાં એક નવો વળાંક જાહેર થયો છે. આ વળાંક આગામી દિવસોમાં ચર્ચાઓનું કેન્દ્ર બની જાય, એવી સંભાવનાઓ છે. જાહેર એવું થયું છે કે, આ ગેમઝોન અંગેની મહત્ત્વની ફાઇલ ગૂમ થઈ ગઈ છે. અગ્નિકાંડની તપાસ ચલાવી રહેલી ખાસ ટૂકડી ‘સિટ’ આ ફાઇલ શોધી રહી છે પરંતુ આ ફાઇલ કયાંય દેખાતી નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, 2021ની સાલમાં આ ગેમઝોનનું ઉદઘાટન થયું હતું. 2021માં આ ગેમઝોનને મંજૂરીઓ આપવાની પોલીસની સતાઓ અંગેની વિગતો આ ફાઇલમાં છે, એમ પણ જાહેર થયું છે. આ સમાચાર રાજકોટથી બહાર આવવાને બદલે અમદાવાદથી બહાર આવ્યા છે. એમ કહેવાય છે કે, આ અગ્નિકાંડની તપાસમાં આ ફાઇલ ખૂબ જ મહત્ત્વની છે, તેથી’સિટ’ આ ફાઇલ શોધી રહી છે.
2021ની સાલમાં આ ગેમઝોનનું ઉદઘાટન થયું ત્યારે, સમારોહમાં રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા મહાપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. તેથી આ ફાઇલ ‘સિટ’ માટે ખૂબ જ સંવેદનશીલ છે. જો આ ફાઇલ મળે તો જ ‘સિટ’ ને ખબર પડી શકે કે, 2021માં ક્યા પોલીસ અધિકારીએ આ ગેમઝોનને, કેવી સ્થિતિમાં મંજૂરી આપી હતી.
અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, 2021ની સાલમાં આ ગેમઝોનના માલિકોએ સૌ પ્રથમ મંજૂરીઓ મેળવવા રાજકોટ તાલુકા પોલીસમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ આ અરજી રાજકોટ પોલીસની લાયસન્સ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટરને મોકલી આપવામાં આવી હતી. તે સમયે રાજકોટ પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ખુરશીદ અહેમદ હતાં. અને, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ હતાં.
સૂત્ર વધુમાં જણાવે છે કે, આ અગ્નિકાંડ બાદ જેમને બદલી નાંખવામાં આવ્યા છે તે મ્યુ. કમિશનર આનંદ પટેલ, એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને ડીસીપી સુધીર દેસાઈના નિવેદનો તપાસમાં રેકર્ડ પર લેવામાં આવ્યા છે. ‘સિટ’ અધિકારીઓ આગામી દિવસોમાં તત્કાલીન જેસીપી ખુરશીદ અહેમદને પણ પૂછપરછ માટે બોલાવે તેવી શકયતાઓ છે. અને, આગામી બે ત્રણ દિવસમાં’સિટ’ પોતાનો તપાસ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દેશે એમ માનવામાં આવે છે, ત્યાં સુધીમાં આ મહત્વપુર્ણ ફાઇલ નહીં મળે તો, શું થશે ?
સૂત્ર કહે છે: ગેમઝોનના માલિકોએ જ્યારે મંજૂરીઓ માટે અરજી કરી ત્યારે, આ જમીન પર કોઈ સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું ન હતું. અને જે મંજૂરીઓ મળી તે ડિસેમ્બર-2022 સુધીની જ હતી. ત્યારબાદ ઝોન-2ના તત્કાલીન DCP સુધીર દેસાઈએ વર્ષ 2022-23 માટેની મંજૂરીઓ આપી હતી. તે સમયે ગેમઝોન માલિકોએ આ જગ્યા પર બાંધકામ ઉભું કરી દીધું હતું જે કોર્પોરેશનની BU પરમિશનની શરતો મુજબનું ન હતું. મંજૂરીઓ માટેની છેલ્લી અરજી પર તત્કાલીન એડિશનલ CP વિધિ ચૌધરીએ સહી સિક્કા કર્યા હતાં, એવી વિગતો બહાર આવી છે. આ સમયગાળામાં હૈયાત બાંધકામને વધારી દેવામાં આવ્યું હતું.