Mysamachar.in-રાજકોટ:
સૌરાષ્ટ્ર-કચ્છના હ્રદયસમા રાજકોટમાં આજથી 5 મહિના અને 5 દિવસ અગાઉ ભયાનક અગ્નિકાંડ સર્જાયો હતો. આજે પણ આ કાળઝાળ અગ્નિકાંડના પડઘા અસરગ્રસ્ત પરિવારોમાં સંભળાઈ રહ્યા છે. ઘણાં પરિવારો આજે પણ શોકમાં ગરકાવ છે. બીજી તરફ ગંભીર બાબત એ પણ છે કે, આ ભયાનક બનાવની અદાલતી ટ્રાયલ આજની તારીખે પણ શરૂ કરી શકાઈ નથી.
રાજકોટમાં જે સ્થળે આ અગ્નિકાંડ સર્જાયો હતો, તે જગ્યાએ અગાઉ પોલીસ પ્રોટેક્શન રાખવામાં આવેલું. આજે આ જગ્યા રેઢી પડી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ જગ્યા પરથી હાલ ધીમેધીમે ભંગારની ચોરીઓ થઈ રહી છે. સમગ્ર જગ્યા ભેંકાર સ્થિતિમાં છે. આ સ્થળ દર્દનાક બનાવની યાદ અપાવી રહ્યું છે. મહાનગરપાલિકાના અધિકારીઓ કહે છે, આ ભંગાર ખાનગી માલિકીની જગ્યા પર હોય તેને હટાવવાનો નિર્ણય અમે ન લઈ શકીએ. જો સરકાર કોઈ આદેશ આપશે તો, એ મુજબ કાર્યવાહીઓ કરીશું.
અગાઉ આ ગેમઝોન ધમધમતો હતો ત્યારે આસપાસના લોકોને પાર્કિંગ મુદ્દે બબાલો થતી. હવે સમગ્ર વિસ્તાર સાંજ ઢળતાં જ ડરામણો લાગી રહ્યો છે. લોકોને મોતની દર્દનાક ચિચિયારીઓ યાદ આવી રહી છે. ઘણાં લોકો આ વિસ્તારમાંથી રાત્રે પસાર થતાં પણ ડરી રહ્યા છે. આ વિસ્તારમાં રહેતાં લોકો કહે છે, આ ભયંકર દુર્ઘટનાની યાદ આજે પણ સૌને અકળાવી રહી છે.
ઘણાં બધાં પરિવારોમાં આજે કહીં દીપ જલે, કહીં દિલ જેવી સ્થિતિઓ છે. એક તરફ શહેરમાં દીવાળીનો ઝગમગાટ છે, બીજી તરફ આ અગ્નિકાંડના મૃતકોના પરિવારજનો આજે પણ ગાઢ શોકમાં ડૂબેલાં છે. તહેવારો ઉજવતા નથી. ઘણાં આવા પરિવારો તો રાજકોટ છોડી પરત વતનમાં જતાં રહ્યા છે. ઘણાં પરિવારોએ કમાનાર ગુમાવ્યા છે. પરિવારો કહે છે, અગાઉ અમો દીવાળી પર સૌ એકત્ર થઈ આનંદ માણતાં, હવે અમારાં સ્વજનના આત્માની શાંતિ માટે ગરીબોને શક્ય મદદ કરી, શોકમાં તહેવાર પસાર કરીએ છીએ.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ ગોઝારા દિવસે (25 મે) 27 લોકોનો ભોગ લેવાઈ ગયો હતો. આ બનાવના 15 આરોપીઓ હાલ જેલમાં છે. જેમાં ગેમઝોનના ભાગીદારો, સંચાલકો, જમીનમાલિકો, મહાનગરપાલિકાના ફાયર સહિતના વિભાગના અધિકારીઓ અને બનાવના સ્થળે વેલ્ડિંગ કરી રહેલો શખ્સ (જેને કારણે આગ લાગી હતી) વગેરેનો સમાવેશ થાય છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ અગ્નિકાંડના પીડિતો માફક જ, 2 વર્ષ અગાઉ મોરબીમાં સર્જાયેલા ઝૂલતાં પુલકાંડના પીડિતો પણ ન્યાય ઝંખી રહ્યા છે.