Mysamachar.in-જામનગર:
સૌ જાણે છે કે, ગામડાંઓમાં જ્યાં મહિલા સરપંચ હોય છે ત્યાં એ મહિલાના પતિદેવો ‘રાજ’ ચલાવતા હોય છે અને ઘણાં કિસ્સાઓમાં ‘વહીવટ’ પણ કરતાં હોય છે. આ પ્રકારના સમાચાર અવારનવાર વાયરલ પણ થતાં હોય છે. ઘણી મહાનગરપાલિકાઓ સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ આવું ચાલતું હોય છે. તે દરમિયાન આજે ધ્રોલ નગરપાલિકા ચર્ચાઓમાં આવી.
જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકામાં તાજેતરમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણીઓ થઈ. જેમાં ઉપપ્રમુખ તરીકે રંજનબેન દલસાણીયાની વરણી થઈ છે. આ મહિલાના પતિ ગોવિંદ દલસાણીયા હાલ એક વાયરલ ફોટાને કારણે ચર્ચાઓમાં આવ્યા છે.ધ્રોલ બીજેપીના ગ્રુપમાં જ આ ફોટો વાઈરલ થતા થતા સામેં આવ્યો છે,
એમ કહેવાય છે કે, ધ્રોલ નગરપાલિકામાં પિવાના પાણીના આયોજન અંગે એક બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં ઉપપ્રમુખ રંજનબેન દલસાણીયાના પતિદેવ ફોટામાં દેખાઈ રહ્યા છે. આ ફોટાઓ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર વાયરલ થયા છે. ઉપપ્રમુખ પત્નીના બદલે તેમના પતિદેવ ખુરશી પર બિરાજમાન હોય તેવા ફોટાઓ વાયરલ થતાં, ધ્રોલ પાલિકા ચર્ચાઓમાં છે. ટેલિફોનિક વાતચીત દરમિયાન ગોવિંદભાઈ ખુદ આ વાત સ્વીકારી રહ્યા છે.તો આ મામલે ચીફ ઓફીસર નિકુંજ વોરાએ પણ કહ્યું કે જે હોદેદાર હોય તે જ હોદાની રુએ ત્યાં બેસી શકે અન્ય કોઈ બેસી શકે નહિ.