Mysamachar.in-અમદાવાદ:
ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે સોમવારે, જાણે કે ચોમાસુ હોય એવો માહોલ વૈશાખ મહિનામાં સર્જાતા આ કમોસમી માવઠાંથી લોકો હેરાન છે અને ઘણાં લોકો ગરમીમાંથી રાહત પણ અનુભવી રહ્યા છે. દરમ્યાન, કાલે સોમવારે આ વાતાવરણમાં જુદાજુદા કારણોસર 6 માનવ જિંદગીઓનો ભોગ લેવાયો હોય, આ માવઠું એ રીતે પણ અમંગલ બન્યું.
જામનગર જિલ્લા કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમિયાન ધ્રોલ તાલુકામથકે 3 મિમી અને જોડિયા તાલુકામથકે 4 મિમી વરસાદ નોંધાયો છે. જામનગર શહેરના એકદમ હળવા છાંટા કંટ્રોલ રૂમના રેકર્ડ પર નોંધાયા નથી. આ ઉપરાંત કાલાવડ ગ્રામ્ય પંથકના અહેવાલ અનુસાર, તાલુકાના જુદાજુદા ગામોમાં કરા સાથે હળવો વરસાદ અને ભારે પવન નોંધાયો છે. શહેર જિલ્લામાં આ પ્રકારના વાતાવરણને કારણે આજે મંગળવારે સવારે જામનગર શહેરના વાતાવરણમાં એક અલગ પ્રકારની ટાઢક અનુભવવા મળી. અને, મહત્તમ તાપમાન પણ એકસાથે 3 ડિગ્રી ઘટી ગયું છે.

દેવભૂમિ દ્વારકાથી મળતો અહેવાલ જણાવે છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે સોમવારે રાજ્યના અન્ય વિસ્તારો સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પણ નોંધપાત્ર પલટો આવ્યો હતો. આ સાથે ખંભાળિયામાં અડધો ઈંચ વરસાદ પડી ગયો હતો, ખંભાળિયા પંથકમાં ગત સાંજથી પ્રસરી ગયેલી ઠંડક તેમજ વાદળોની જમાવટ વચ્ચે ગતરાત્રે આશરે બે વાગ્યાના સમયે વાતાવરણ પલટાયું હતું અને વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે તેજ ગતિએ જોરદાર પવન ફૂંકાયો હતો.
આ પરિસ્થિતિમાં ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં મધ્યરાત્રીના વીજળી અને કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસી ગયો હતો. વંટોળિયા જેવા પવન અને વરસાદના કારણે ઠેર-ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આટલું જ નહીં, ભારે પવન ઉપડતા અનેક સ્થળોએ મોટા હોર્ડિંગ્સ તેમજ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ભારે પવનના કારણે અનેક સ્થળોએ મરચાં-મસાલા તેમજ ફ્રુટ, શાકભાજીના મંડપ (પંડાલ) પણ ઉખડી ગયા હતા. ગત મધ્યરાત્રે વીજળીના કડાકા ભડાકા થતા ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકો સફળતા જાગી ગયા હતા.કમોસમી વરસાદ તેમજ ભારે પવનને પગલે રાત્રિના સમયે શહેરનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને સવારે પણ અનેક સ્થળોએ વીજ પુરવઠો બંધ રહેતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ભારે પવન તેમજ વરસાદના પગલે કાળઝાળ ગરમીના દિવસોમાં હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.ગત રાત્રિના કમોસમી માવઠાના કારણે ખંભાળિયા તાલુકામાં 12 મી.મી. (અડધો ઈંચ) વરસાદ નોંધાયો છે. કમોસમી માવઠાના પગલે ખેતરોમાં રહેલા પાકને પણ નુકસાની થવા પામી હતી. આજે સવારે પણ વાદળોની આવન-જાવન વચ્ચે સૂર્યનારાયણના દર્શન થયા હતા. કલ્યાણપુરમાં 3 અને દ્વારકામાં 3.75 મિમી વરસાદ નોંધાયો હતો. ભાણવડ પંથકમાં વરસાદના વાવડ નથી.
આ ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લાઓ પંચમહાલ, મહીસાગર, વડોદરા, મહેસાણા ઉપરાંત અમદાવાદ, રાજકોટ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદના અહેવાલ છે. વીજળીના કડાકા ભડાકા, ગાજવીજ અને ભારે પવન સહિતની ખબરો સાથે વીજળી પડવાથી અને વીજતાર તૂટવા વગેરેથી રાજયમાં 6 મોત પણ નોંધાયા છે જે પૈકી 3 મોત વડોદરામાં વીજતંત્ર અને મહાનગરપાલિકાની બેદરકારીઓને કારણે થયાના અહેવાલો છે.
હવામાન વિભાગની આગાહીઓ છેલ્લા કેટલાંક વર્ષોથી સચોટ પૂરવાર થઈ રહી છે. દરમ્યાન, આજે પણ આગાહી છે કે, કચ્છ અને બનાસકાંઠામાં અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. આ વૈશાખી માવઠાંને કારણે ખેતીમાં પણ વિવિધ પાકોમાં નુકસાનના અહેવાલો છે. ઘણાં માર્કેટ યાર્ડમાં કામકાજ પણ ખોરવાઈ ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ માવઠાં પાછળનું કારણ એન્ટિ સાયકલોનિક સરકયુલેશન છે, જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તરફ સર્જાયેલા સાયકલોનિક સરકયુલેશનને કારણે સર્જાયું છે તેમ આ અગાઉ હવામાન વિભાગ જાહેર કરી ચૂક્યો છે.
