Mysamachar.in-જામનગર:
એક તરફ કાળઝાળ ગરમી, હીટવેવની આગાહી અને બીજી તરફ ઠેરઠેર કમોસમી વરસાદ. મોસમ પણ જાણે કે બેઈમાન બની ગઈ હોય, એવો ઘાટ છે. કાલે બુધવારે પણ બપોર બાદ ઘણાં વિસ્તારોમાં વરસાદ પડયાના અહેવાલ છે અને વીજળીએ વધુ ચાર લોકોનો ભોગ લઈ લીધો છે.
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં પણ કાલે બુધવારે બપોર બાદ, સાંજે વાતાવરણમાં પલટો નોંધાયો હતો. જામનગર શહેરમાં પણ રાત્રે આઠેક વાગ્યા આસપાસ પવન એવી રીતે ફૂંકાયો હતો, જાણે થોડીવારમાં ગાજશે અને વરસશે એવું લાગતું હતું. બુધવારે બપોર બાદ જામજોધપુર પંથકના ગ્રામ્ય વિસ્તારો બુટાવદર, સંગચીરોડા, નરમાણા, સમાણા અને બાવરીદડ સહિતના પંથકોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, ધૂળિયો પવન ફૂંકાયો હતો અને ઝાપટાં પણ પડ્યા હતાં.

આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ઘણાં પંથકોમાં લોકોએ આંધી અને વંટોળનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે, મધ્યપ્રદેશના મધ્ય વિસ્તારોમાં સાયકલોનિક સરકયુલેશન બન્યું છે જેને કારણે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આજે અને આવતીકાલે પણ એટલે કે ગુરૂવારે અને શુક્રવારે પણ ગુજરાતમાં છૂટાંછવાયા વરસાદની અને સાથે હીટવેવની પણ આગાહી છે.
આજે અમદાવાદ, ગાંધીનગર અને ખેડા પંથકમાં વરસાદ આવી શકે છે જો કે વીજળી કે વંટોળની આગાહી નથી. બે દિવસ પોરબંદર, ભાવનગર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં વધુ ગરમી અને ભેજનું અનુમાન છે. કમોસમી વરસાદને કારણે કેરી સહિતના પાકોને નુકસાન છે.
-કાલે બુધવારે બપોરે ચાર વાગ્યા બાદ રાજયના અગિયાર તાલુકામાં વરસાદ નોંધાયો.
સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ થયો. કચ્છના નખત્રાણામાં 2 કલાકમાં 1.5 ઈંચ વરસાદ. આ ઉપરાંત વઢવાણ, ડાંગ, થાનગઢ અને વધઈમાં વરસાદ નોંધાયો. સુરેન્દ્રનગરમાં તો ધોધમાર વરસાદ સાથે વીજ પણ ત્રાટકી. મોકાસરમાં 18 વર્ષની યુવતીનું અને ખાટડી ગામમાં 57 વર્ષના આધેડ પુરુષનું વીજળીને કારણે મોત થયું. આ ઉપરાંત વીજળી ત્રાટકતાં પોરબંદર પંથકમાં પણ બે મોતનો અહેવાલ છે. સોઢાણા અને શીશલી ગામમાં આ બે મોત નોંધાયા છે. પોરબંદર જિલ્લાના ઘણાં બધાં ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે સાંજે વરસાદ થયો.
(symbolic image source:google)