Mysamachar.in-જામનગર:
તાજેતરના વરસાદ દરમિયાન સમગ્ર રાજ્યમાં ઠેરઠેર રોડ રસ્તાઓ તૂટી ગયા. ભયંકર ખાડા પડ્યા, લાખો વાહનચાલકોને હાલાકીઓ, વાહનોમાં નુકસાન, ભયાનક માનસિક ત્રાસ અને આર્થિક નુકસાન પણ. આમ છતાં સરકાર એમ નથી સ્વીકારતી કે, અમે કામો નબળાં કરીએ છીએ એટલે રોડ-રસ્તાઓ તૂટી ગયા. સરકાર વરસાદને દોષ આપે છે, એ બંધ થવું જોઈએ. કામો માટે વધારાની ગ્રાન્ટ જાહેર કરવી એ ઉપાય નથી, ખેલ છે એ મુદ્દો લોકો હવે સમજી ગયા છે.
જામનગર શહેરમાં પણ સેંકડો મુખ્ય રસ્તાઓ ઉખડી જતા પાપ જાણે છાપરે ચઢીને પોકારતું હોય તેવા દ્રશ્યો વચ્ચે ખાડાઓમાં ધૂળ, કાંકરી નાખીને તેને ઢાંકવાનો પ્રયાસ માત્ર થઇ રહ્યો છે, મુખ્ય ઉપરાંત કેટલાક વિસ્તારોના આંતરિક રસ્તાઓ અત્યંત ખરાબ રીતે તૂટી ગયા છે. ડામરના બનેલા શહેરના મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. જામનગરના લાખો લોકો પરેશાન છે, સાથે માનસિક ત્રાસ અને આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે. અકસ્માતો થાય છે, લોકોને ઈજાઓ પણ થાય છે.

રસ્તાઓ તૂટવાનો દોષ વરસાદને આપી શકાય નહીં. ડામરના રસ્તાઓ બનાવવાની સંપૂર્ણ જવાબદારીઓ કોર્પોરેશનના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગની છે, જે રસ્તાઓના કામો શરૂ કરતાં પહેલાં કોન્ટ્રાક્ટર સાથે ‘બેઠક’ કરતાં હોવાનું જાણવા મળે છે. અને રસ્તાઓ બનાવતી વખતે ઈજનેરો અને અન્ય અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે કામોનું સુપરવિઝન થતું નથી. મટીરીયલ્સ ટેસ્ટિંગમાં પણ લાલિયાવાડીઓ ચાલતી હોવાનુ આધારભૂત વર્તુળો જણાવે છે. પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના નાયબ ઈજનેર રસ્તાઓના ગેરેંટી પિરીયડની અને થીંગડા લગાવી આપીશું એવી ખોટી અને મોટી વારતાઓ કરી જવાબદારીમાં છટકવાનો પ્રયાસ કરતાં રહે છે.
શહેરમાં ઠેર ઠેર તૂટેલાં રસ્તાઓ પર ઠાલવવામાં આવતાં રેતી, કાંકરી અને ધૂળના થીંગડા તકલાદી હોય છે, શહેરનું વાતાવરણ આ થીંગડાઓને કારણે ધૂળિયું બની ગયું છે. ભયાનક પ્રદૂષણ જોવા મળે છે. આ થીંગડા બેચાર દિવસમાં તૂટી જતાં હોય છે. અને, નોંધપાત્ર તથા અચરજની વાત એ પણ છે કે, જે અધિકારીના વિભાગમાં આવી લાલિયાવાડીઓ ચાલતી રહેતી હોય, એ અધિકારીનો કોઈ ‘ખુલાસો’ કયારેય પૂછવામાં આવતો નથી. જેને કારણે નગરજનો આવી સમસ્યાઓથી ત્રાહિમામ્ પોકારી ઉઠે છે.
