Mysamachar.in-જામનગર:
સૌ આ વરસાદને માવઠું કહે છે. ઘણાં લોકો તેને કમોસમી વરસાદ પણ કહે છે. માવઠાંનો સામાન્ય અર્થ એવો છે કે, અમુક જ પંથકમાં સાધારણ વરસાદ વરસે અને ખેતી બગડે. પણ, હાલનો વરસાદ વ્યાપક છે અને મૂશળધાર છે અને સાથેસાથે એ પણ યાદ રહે કે, આપણે સૌ ગ્લોબલ વોર્મિંગના જનક છીએ એટલે વરસાદની મોસમ કુદરત નક્કી કરી રહી છે, જેને આપણે ‘કમોસમ’ એવું પણ નામ આપીએ છીએ. હાલમાં જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ઠેરઠેર વરસાદ નોંધાઈ રહ્યો છે અને ખેડૂતોની હાલાકીઓનો કોઈ પાર નથી. ચિંતાઓનો વિષય એ પણ છે કે, હજુ 31 ઓક્ટોબર સુધી આપણને રાહત મળવાની નથી કેમ કે, ભારે વરસાદની નવી આગાહી આવી છે.
રાજ્યના હવામાન વિભાગે જાહેર કર્યું છે કે, હજુ બીજા સોએક કલાક રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં હળવા-મધ્યમથી માંડીને ભારે કે અતિ ભારે વરસાદ વરસી શકે છે. ગુજરાત નજીકના અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગર(ખાડી)માં- એમ એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમ આકાર લઈ ચૂકી છે. આ રીતે ડેવલપ થયેલી સિસ્ટમ ગુજરાતમાં હજુ વધુ વરસાદ લાવી શકે છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી લગભગ 66 ટકા વિસ્તારમાં એટલે કે 21 જિલ્લાઓમાં આગામી 3-4 દિવસ દરમ્યાન વરસાદ વરસે એવી શકયતાઓ છે.
સૌથી વધુ અસરો ખેતીપાકો પર દેખાઈ રહી છે. ઘણાં શહેરોમાં પણ પાણી ભરાવાની તકલીફ જોવા મળી રહી છે. ઘણી નદીઓ ચોમાસામાં બને એવી ગાંડીતૂર બની છે. રાજ્યનું મહત્તમ અને લઘુતમ તાપમાન સડસડાટ નીચે ઉતરે ગયું છે. રાજ્યભરમાં ચોમાસા જેવું ટાઢોળું પથરાઈ ગયું છે.
-જામનગર શહેર જિલ્લાના વરસાદના આંકડા શું કહે છે ?..
જામનગર શહેરમાં ગઈકાલે બપોરે અને રાત્રે કુલ અડધાં ઈંચ જેટલો વરસાદ થયો પરંતુ મહત્તમ તાપમાનનો પારો સીધો સાતેક ડિગ્રી ધડામ કરતો નીચે ઉતરી ગયો. જિલ્લાના જોડિયામાં ગઈકાલે સાંજે અને આજે વહેલી સવારે મળી કુલ સવા બે ઈંચ વરસાદ વરસી ગયો. આ ઉપરાંત કાલાવડ અને લાલપુરમાં પોણાં બે ઈંચ અને ધ્રોલમાં એક તથા જામજોધપુરમાં પોણો ઇંચ વરસાદ થયો છે.





