Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં ચોમાસાની ઋતુની સારી શરૂઆત બાદ વરસાદે વિરામ લેતા લોકોમાં ચિંતા વધી હતી, પણ હવામાન વિભાગે આગાહી કરી હતી કે આજે અને આવતીકાલે એટલે કે તારીખ 19 અને 20 ઓગસ્ટ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે, તે આગાહી સાચી ઠરી રહી હોય તેમ લાગે છે, અને ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા મહેરબાન થયા હોય તેમ લાગે છે, મળતી માહિતી મુજબ ગુજરાતમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના પારડી તાલુકામાં 4.3 ઈંચ પડ્યો છે.
બોટાદના ગઢડામાં વરસાદ શરૂ થયો છે. ગઢડા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો ઢસા, પાટણા ગામે પણ વરસાદી માહોલ છવાયો છે, તો દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી, પારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉમરગામમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વલસાડ શહેરમાં પણ વેહલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.. આ તરફ તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ થોડો ઘણો વરસાદ નોંધાયો છે.






