Mysamachar.in:અમદાવાદ
ગુજરાત હવામાન વિભાગ દ્વારા ગુરૂવારે સાંજે 6 વાગ્યે વધુ એક વખત વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. આ આગાહી કહે છે કે, આગામી 27 જૂલાઈ સુધી સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરમાં વરસાદ વરસી શકે છે. જો કે ભારે અથવા અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.
આગાહી કહે છે : 22-23મી જૂલાઈએ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. 24-25મી જૂલાઈએ રાજ્યનાં ઘણાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અને, 26-27મીએ રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે. 27 જૂલાઈ સુધીની આ તમામ આગાહી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવે છે. સાથેસાથે હવામાન નકશામાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે, આગામી 25 જૂલાઈ સુધી જામનગર જિલ્લામાં વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે 21મી જૂલાઈ સુધી ભારે વરસાદની શક્યતા હતી અને એ મુજબ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો પણ છે.