Mysamachar.in-અમદાવાદઃ
આ વખતે જરૂર કરતાં વધુ અને કમોસમી વરસાદથી ખેડૂતોને કમરતોડ ફટકો પડ્યો છે, જો કે હજુ પણ કંઇક બાકી હોય તેમ વરસાદ વિદાય લેવાનું નામ જ લેતો નથી. અમદાવાદ ખાતે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી એટલે કે ગુરુવારથી પવનની દિશા બદલાઇ છે, જેના કારણે ઠંડીમાં આંશિક ઘટાડો થશે અને આગામી 23મી ડિસેમ્બરથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ખાસ કરીને 23મીએ બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલીમાં કમોસમી વરસાદ પડવાની સંપૂર્ણ શક્યતા વર્તાઇ રહી છે. હજુ તો ઠંડી બરાબર જામી નથી ને ત્યાં ફરી કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો અને વેપારીઓમાં ચિંતા વધી છે. રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીનું જોર વધ્યું હતું. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડી ગિરનારમાં નોંધાઇ હતી. રાજકોટમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીનો પારો 15.4 ડિગ્રી હતો પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 19 દિવસમાં 5 ડિગ્રીથી વધુ તાપમાન નીચું જતા રાજકોટ ઠંડુંગાર બની જતાં લોકો તાપણા શરૂ કરવા મજબૂર બન્યા હતા.