Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની ટેક્સ શાખાએ વેરાવસુલાત માટે હવે કમર કસી લીધી છે અને કોઈ બહાના બાજી કે ભલામણો વિના ટેક્સ તો ભરપાઈ કરવો પડશે તેવો સ્પષ્ટ સંદેશ તાજેતરમાં જ સરકારી એટલે કે રેલ્વેની બે મિલકતો મનપાએ સીલ કરીને આપી દીધો છે, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ ઇન્ચાર્જ આસી.કમિશ્નર ટેક્સ જીગ્નેશ નિર્મલને આ આ અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપતા ટેક્સ વિભાગે રેલ્વેની માલિકીની બે મિલકતો પર સીલ મારી દેતા રેલ્વે તંત્ર દોડતું થયું હતું અને ખુદ ડી.આર.એમ પણ રાજકોટથી મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી પાસે દોડી આવતા કમિશ્નર મોદીએ તેમને ટેક્સ ભરપાઈ કરો તેવી એક લીટીની સ્પષ્ટ વાત કરી દેતા તેવો પણ હવે કારી ફાવશે નહિ તેમ માની અને રેલ્વેએ મનપાને આપવાની નીકળતી સર્વિસ ચાર્જની 34 કરોડ 92 લાખની રકમમાંથી પહેલો 5 કરોડનો હપ્તો આજે મનપાના આપી દેતા મનપાએ રેલ્વેની વિનંતી સ્વીકારી સીલ ખોલી આપ્યા છે,
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકાને સર્વિસ ચાર્જની રકમ ભરવામાં અખાડા કરનાર રેલવેની મિલકત સીલ કરતા જ આખરે રેલવે વિભાગ દ્વારા તાબડતોબ રૂપિયા પાંચ કરોડની રકમ જમા કરાવી દેવામાં આવી છે. અને બાકીની રકમ પણ રેલ્વે ટૂંક સમયમાં ભરપાઈ કરશે તેવી લેખિત બાહેંધરી પણ આપી હોવાનું જાણવા મળે છે.