Mysamachar.in:રાજકોટ
પશ્ચિમ રેલવેમાં વિવિધ પ્રકારના ગુનાઓ બનતાં હોય છે. ઘણી વખત મુસાફરોની મોબાઈલ અથવા પાકીટ જેવી ચીજો પણ ખોવાઈ જતી હોય છે. જો કે ઘણાં કિસ્સાઓમાં, આવા સમયે રેલ્વે પોલીસ માત્ર ગૂમનોંધ લખી નાંખતી હોય છે. આ કિસ્સાઓમાં FIR ન નોંધાવાથી પછી તપાસ નથી થતી ! ગુજરાતમાં આવું બન્યું છે ! જામનગરનાં પાંચ સહિત રાજકોટ અને કચ્છ સહિતના પશ્ચિમ રેલવેમાં 44 બનાવો એવાં છે જેમાં રેલવે પોલીસે માત્ર ગૂમનોંધ જ લખી છે. જેની કોઈ જ તપાસ કરવામાં આવતી નથી ! ખરેખર તો આ ગૂમનોંધ પરથી રેલ્વે પોલીસે FIR નોંધવાની હોય છે. પરંતુ કોઈ અધિકારીએ ઇન્સ્પેક્શન દરમિયાન આ બાબત પર ધ્યાન આપ્યું જ નહીં !
આખરે આ મુદ્દો રેલવેના એડિશનલ ડીજી રાજકુમાર પાંડિયનની ચકોર નજરમાં આવી ગયો. તેઓએ સંબંધિત અધિકારીઓને આ કિસ્સાઓમાં FIR નોંધવાનો અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ 44 કિસ્સાઓમાં 5 જામનગરનાં છે. રાજકોટનાં 15 અને અમદાવાદનાં 11 છે. અત્રે નોંધનીય છે કે, IPS રાજકુમાર પાંડિયનની કામ કરવાની પદ્ધતિ અલગ છે. તેઓની નજર પણ ચકોર છે. ભૂતકાળમાં તેઓએ પ્રવાસી મજદૂરનાં એક કિસ્સામાં તથા અન્ય કેટલાંક કિસ્સાઓમાં હટકે કામગીરી કરી દેખાડી હોવાનું રેકર્ડ પર છે.
રેલવેમાં જયારે પણ કોઈ પ્રવાસી પોતાની મોબાઈલ કે પાકીટ ચોરી સહિતની કોઈ પણ નોંધ લેખિતમાં રેલ્વે સતાવાળાઓને આપે ત્યારે, રેલ્વે સતાવાળાઓએ તાકીદે તેની FIR લેવી જોઈએ અને સંબંધિત અધિકારીને તપાસ માટે સૂચના આપવી જોઈએ એવો સુપ્રિમ કોર્ટનો પણ આદેશ છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દરેક રાજ્યમાં મુખ્ય સચિવ મારફતે રેલવે સત્તાવાળાઓને આ સૂચના આપેલી જ છે. આમ છતાં લોકજાગૃતિનાં અભાવે પ્રવાસીઓ સામાન્ય રીતે ગૂમનોંધ જ લખાવે છે, FIR નોંધાવી તેની નકલ મેળવતાં નથી જેને કારણે આ પ્રકારના કિસ્સાઓમાં ગુનાની તપાસ થતી નથી અને ગુનેગારો કાયદાની પકકડથી બચી જાય છે. કેમ કે, માત્ર ગૂમનોંધ હોય તેવાં કિસ્સાઓમાં તપાસ જ કરવામાં આવતી નથી !