Mysamachar.in-અમદાવાદ:
ટ્રેનોમાં દૈનિક ધોરણે કરોડો લોકો મુસાફરી કે પ્રવાસ કરતાં હોય છે, આ દરમિયાન અનેક પ્રકારની ફરિયાદો પણ ઉઠતી હોય છે અને છેડતી-મારામારી કે હત્યા જેવા ગુનાઓ પણ થતાં હોય છે. આ પ્રકારની અસંખ્ય ફરિયાદોના તાત્કાલિક નિવારણ માટે, ભારતીય રેલ દ્વારા ‘રેલમદદ’ નામની એક ઉપયોગી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે અને દેશભરમાં અત્યાર સુધીમાં 10 લાખ લોકો આ એપ ડાઉનલોડ કરી ચૂક્યા છે.
અત્યાર સુધી લોકો ટ્રેન મુસાફરી દરમ્યાન ફરિયાદ હોય તો હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરતાં પણ હવે એના કરતાં સારી વ્યવસ્થા આ એપમાં છે. આ એપમાં રેલ્વેસ્ટેશનોના અધિકારીઓને પણ સાંકળી લેવામાં આવ્યા છે અને RPF રેલ્વે પ્રોટેક્શન ફોર્સને પણ આ એપ સાથે જોડવામાં આવી હોય, તમે ચાલુ ટ્રેનમાં આ એપની મદદથી કોઈ પણ ફરિયાદ કરો તો, આગળના સ્ટેશન પર તમારી ફરિયાદના નિવારણ માટેની વ્યવસ્થાઓ કરવાનો પ્રયાસ કરવામાં આવે. ટૂંકમાં, ફરિયાદનો ઉકેલ તાત્કાલિક અને ઓછામાં ઓછા સમયમાં મળી શકે.
આ એપના માધ્યમથી તમે કરેલી ફરિયાદ સીધી રેલ્વે બોર્ડમાં જશે. ત્યાંથી આ ફરિયાદ સંબંધિત ડિવિઝનના મુખ્ય અધિકારી પાસે જશે. આ એપ ઉપરાંત ફોન નંબર 139 ઉપર ફોન કે SMSથી પણ ફરિયાદ થઈ શકે. રેલમદદ એપમાં તમે આ પ્રકારની ફરિયાદો કરી શકો: ખાણીપીણી, કોચમાં સફાઈ, મોબાઈલ ચાર્જર પોઈન્ટ સમારકામ, પંખા કે એસી સંબંધે, બેડશીટ કે બેડરોલની ફરિયાદ, શૌચાલયમાં સ્વચ્છતા, રિઝર્વ કોચમાં જનરલ યાત્રી ઘૂસી ગયા હોય, નાણાં કે સામાનની ચોરી, છેડતી કે મારામારી સહિતના બનાવો વગેરે (વીડિયોઝ પણ અપલોડ કરવાની વ્યવસ્થાઓ).
ધારો કે ચાલુ ટ્રેનમાં છેડતી કે મારામારી હુમલા જેવો બનાવ બને તો, આ એપમાંની ફરિયાદ RPF ને મળી જાય, પછી કંટ્રોલરૂમ આ વિગતો ટ્રેનમાં રહેલાં RPF જવાનને આપે અને જો ટ્રેનમાં આ જવાન ફરજ પર ન હોય તો, આગળના સ્ટેશન પર RPF તમારો કોચમાં સંપર્ક કરે.