Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં છાત્રો અને છાત્રાઓને માનસિક, શારીરિક અથવા આર્થિક ત્રાસ આપવાના કૃત્ય કેટલાંક શખ્સો દ્વારા થતાં રહેતાં હોય છે, આ પ્રકારના કેટલાંક કિસ્સાઓમાં પીડિતો દબાણમાં આવી જઈ આપઘાત પણ કરી લેતાં હોય છે, ખાસ કરીને મેડિકલ કોલેજોમાં આવું અવારનવાર બનતું હોય છે. જેને અટકાવવા અથવા કસૂરવાર સાબિત થયેલાં આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીઓ ભાગ્યે જ થતી હોય છે. આવી પ્રવૃતિઓ અટકાવવા આમ તો બધે જ કાગળ પર એન્ટિ રેગિંગ સમિતિઓ હોય છે, પરંતુ તે સમિતિના ચા-કોફી તથા બિસ્કિટના બિલો બનવા સિવાયની કોઈ કામગીરીઓ કે કાર્યવાહીઓ ભાગ્યે જ કયાંય નજરે ચડે છે.
રેગિંગ અટકાવવા સુપ્રિમ કોર્ટ દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવેલો છે. આ આદેશના વાસ્તવિક અમલની દિશામાં આગળ વધવા કેન્દ્રના યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ગુજરાત સહિતના રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી જણાવ્યું છે કે, આ માટે દરેક જિલ્લામાં કલેક્ટરના વડપણ હેઠળ એક કમિટીની રચના કરવાની રહેશે. આ પ્રકારની કમિટીની રચના જામનગરમાં પણ થશે.
જિલ્લા લેવલની આ કમિટીની બેઠક ઉનાળુ વેકેશનમાં યોજાશે. આ બેઠકમાં રેગિંગની ફરિયાદોની ચકાસણીઓ થશે. આ ઉપરાંત રેગિંગ અટકાવવા જેતે સંસ્થાઓએ શું તૈયારીઓ કરી છે, તેની વિગતો પણ એકત્ર કરવામાં આવશે. તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. આ કમિટીમાં કલેક્ટર અથવા ડેપ્યુટી કમિશનર(પોલીસ) અથવા જિલ્લા મેજિસ્ટ્રેટ અધ્યક્ષ તરીકે ફરજો બજાવશે.
જિલ્લા સ્તરની આ કમિટીમાં અધ્યક્ષ ઉપરાંત યુનિ., કોલેજ કે શૈક્ષણિક સંસ્થાના વડા અને એસપી અથવા એએસપી મેમ્બર તરીકે રહેશે. આ ઉપરાંત એડિશનલ જિલ્લા મેજિસ્ટ્રેટ સભ્ય સચિવ તરીકે ફરજો બજાવશે. સ્થાનિક મીડિયા, એક સ્વૈચ્છિક સંસ્થા અને એક વિદ્યાર્થી સંગઠન વતી એક એક સભ્યનો આ કમિટીમાં સમાવેશ કરવાનો રહેશે. આ કમિટી રેગિંગ મામલે જાગૃતિ ફેલાવવાથી માંડીને શૈક્ષણિક સંસ્થાઓના મોનિટરીંગ સુધીની જવાબદારીઓ નિભાવશે.
(પ્રતિકાત્મક તસ્વીર સૌજન્ય ગુગલ)