Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પિવાના પાણીનો વેપાર કરોડો રૂપિયાનો છે, જેમાં ઉનાળાના સમયગાળામાં જબરો ઉછાળો નોંધાતો હોય છે. કરોડો રૂપિયાના આ વેપાર પર કવોલિટી બાબતે દેખરેખ અને વોચ રાખવા- મહાનગરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર સજ્જ હોય છે કે કેમ? આ સવાલ મહત્વપૂર્ણ છે કેમ કે, આ સિઝનમાં અયોગ્ય પાણીના કારણે અનેક પ્રકારના રોગો ફેલાતાં હોય છે અને જે ખાદ્ય ચીજોમાં આ લૂઝ પાણીનો ઉપયોગ થતો હોય ત્યાં ફૂડ પોઈઝનિંગના પણ બનાવો બનતાં હોય છે. પિવાના પાણીની બાબત સીધી જ માનવ આરોગ્ય અને માનવ જિંદગી સાથે સંકળાયેલી હોય, આ પાણીની ગુણવત્તા બાબતે કોઈ બાંધછોડ ચલાવી શકાય નહીં.
આ સિઝનમાં એક તરફ લગ્નપ્રસંગોની મોસમ હોય છે, બીજી તરફ બોર્ડ પરીક્ષાઓ યોજાતી હોય છે, આ ઉપરાંત ગરમીના ધીમેધીમે વધી રહેલાં પ્રકોપને પરિણામે ઠંડાપીણાં, શ્રીખંડ જેવા ખાદ્ય પદાર્થો અને બરફગોલા વગેરેના વેચાણમાં તોતિંગ ઉછાળો આવતો હોય છે. આ સાથે જ ઘરોમાં, ઓફિસોમાં, વ્યાપારી તથા ઔદ્યોગિક વસાહતોમાં પણ પિવાના પાણીની માંગ આસમાને પહોંચતી હોય છે. જેને કારણે લૂઝ પાણી વેચાણ કરતાં ધંધાર્થીઓનો ધંધો પહેલવાન બની જતો હોય છે. આથી આ પાણીની ગુણવત્તા પરની દેખરેખ વધુ જરૂરી બની જતી હોય છે.

અત્યંત આધારભૂત સૂત્ર અનુસાર, જામનગર શહેરમાં જ લૂઝ પાણી વેચાણ કરતાં ધંધાર્થીઓની સંખ્યા 80 થી 100 જેટલી અંદાજવામાં આવે છે. આ ધંધાર્થીઓ દૈનિક ધોરણે લાખો લિટર પાણીનો વેપલો કરે છે. આ ધંધાર્થીઓ જે સ્ત્રોતમાંથી પાણી મેળવે છે એ સ્ત્રોત, આ પાણીનો જ્યાં સંગ્રહ થાય તથા પેકિંગ થાય- તે બધી જ જગ્યાઓ સ્વચ્છ, હાઈજિનિક અને માનવ આરોગ્યની દ્રષ્ટિએ સલામત છે કે કેમ, તેની સતત તપાસ થતી રહે એ ઈચ્છનીય છે. કારણ કે, જો આ વ્યવસાય પર યોગ્ય દેખરેખ રાખવામાં ન આવે તો, બિમારીઓ કે રોગચાળો અથવા ફૂડ પોઈઝનિંગ જેવા અનિચ્છનીય બનાવો કે મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે.
આ પ્રકારના ધંધાર્થીઓના સ્થળો તથા બરફના કારખાના જેવી જગ્યાઓ પર આગામી સમયમાં મહાનગરપાલિકાની ફૂડ શાખાએ વોચ વધારવી પડશે, ક્યાંય કોઈ અનિયમિતતાઓ કે ગેરરીતિઓ થતી નથી ને ? વગેરે ચકાસવું પડશે. દર વર્ષની માફક આ સિઝનમાં હવે આ લૂઝ પાણીના ધંધાર્થીઓને ત્યાંથી પાણીના નમૂનાઓ એકત્ર કરવા પડશે, આ પાણીના રિપોર્ટ તાકીદે મેળવવા પડશે, આ ધંધાર્થીઓના ધંધાના સ્થળોની ફિઝિકલ તપાસણીઓ કરવી પડશે તથા લગ્નપ્રસંગ ચાલતાં હોય એવા સ્થળોએ પણ જે પાણીનો ઉપયોગ થતો હોય એ પાણીની ગુણવત્તા યોગ્ય છે કે કેમ તેની ચકાસણીઓ હાથ ધરવી પડશે. આ ઉપરાંત જ્યાં પણ પિવાના પાણીનો સંગ્રહ થતો હોય ત્યાં પણ આરોગ્ય શાખા અને ફૂડ શાખાએ સંભવિત આફતો ટાળવા વધુ ચોકસાઈ દાખવવી પડશે અને સતત તથા અવારનવાર ચેકિંગ હાથ ધરવું પડશે.
