Mysamachar.in-જામનગર:
દિલ્હીમાં બેઠેલી સરકારનો વિકાસ માટે ‘દિન દોગુના, રાત ચૌગુના’ મંત્ર છે. દિલ્હી ઈચ્છે છે કે, દરેક શહેર સડસડાટ વિકસે. અને, એ જ નીતિ અનુસાર ગાંધીનગર પણ ઈચ્છે છે ગતિશીલતા. પરંતુ જામનગરમાં સ્થિતિઓ તદ્દન વિપરીત હોવાનું બહાર આવી રહ્યું છે ! અહીં દરેક કામમાં છેલ્લા કેટલાક સમયથી ચોક્કસ કારણોસર’અવરોધ’ ઉભા કરવાની નીતિ અને ફાઈલોને દાબી રાખવાની નીતિ અખત્યાર કરવામાં આવી રહી હોવાની સ્થિતિઓ જોવા મળી રહી હોય, જામનગરના વિકાસને જાણે કે, બ્રેક લાગી હોવાની ચર્ચાઓ છે.
અત્યંત આધારભૂત સૂત્ર અનુસાર, જામનગર મહાનગરપાલિકામાં તમામ વિભાગોના ગણનાપાત્ર કામો વિલંબનો અહેસાસ કરી રહ્યા છે. રૂ. 1,400 કરોડ જેટલું બજેટ ધરાવતી આ સંસ્થામાં ગાંધીનગરથી જરૂરિયાત મુજબ નાણાં પણ આવી રહ્યા છે, અધિકારીઓ બધાં કામોમાં સ્ફૂર્તિ પણ દેખાડી રહ્યા છે. આમ છતાં ,મનપામાં એક જ વ્યક્તિને કારણે JMCમાં ગતિશીલતા દેખાઈ રહી નથી.
નોંધપાત્ર કામની ફાઈલ મનપાની આ ચેમ્બરમાં પહોંચે એટલે કવેરી ચિંત્રમાં આવે. પછી તેનો જવાબ થાય. પછી કવેરી નામનું બીજું સ્પીડબ્રેકર આડે આવે. અને આવ્યે જ રાખે ફરી જવાબ થાય. પછી પણ અસંતોષનું વાતાવરણ જોવા મળે. ઘણાં કામો તો રિ-ટેન્ડર પણ થાય. અને, એ રીતે મોટાભાગના કામોમાં વિલંબ થતાં મહિનાઓ પસાર થઈ જાય, JMCમાં કેટલાય કામ આગળ વધતાં જ ન હોય- એવું વાતાવરણ !
આ પ્રકારની સ્થિતિઓને કારણે, બધાં જ ઉપાયો અજમાવી લીધાં બાદ પણ કોન્ટ્રાક્ટરોને લીલીઝંડી મળી રહી ન હોય, વાતાવરણમાં રહેલો અસંતોષ ઘાટો બની રહ્યો છે. અધિકારીઓ પણ થાકી-કંટાળી નાસીપાસ થઈ રહ્યા છે. નાણાંકીય વર્ષના દિવસો-મહિનાઓ ફળદાયી બન્યા વગર વીતી રહ્યા છે. કરદાતાઓ ઘણી બાબતોમાં વિકાસ વંચિતપણું અનુભવી રહ્યા છે. બજેટ તૈયાર કરવાની અઘરી કામગીરીઓનો કોઈ મતલબ રહેતો નથી. નિયત સમયમાં નિયત કામો આગળ ન વધી રહ્યા હોય- સમગ્ર સંસ્થામાં વાતાવરણ નિરાશાજનક ભાસી રહ્યું છે. અને, થોડા મહિનાઓ બાદ તો ચૂંટણી આચારસંહિતા પણ લાગુ થઈ જશે. આ અગ્રણી મનમરજી મુજબ જ વર્તન કરતાં રહેશે ?!
પક્ષના સંગઠનમાં પણ આ મુદ્દે છાનો કચવાટ સાંભળવા મળી રહ્યો છે. સંગઠન પાંખ અને શાસકપાંખ વચ્ચેનું સંકલન પાવરફૂલ જણાઈ રહ્યું નથી. વિપક્ષ તો કોણ જાણે આવી બાબતોથી પરિચિત છે કે કેમ- એ પણ પ્રશ્ન છે. અને, એમ પણ માનવામાં આવી રહ્યું છે કે, ભૂતકાળના ચોક્કસ સમયગાળા અનુસાર હાલના સમયમાં પણ JMCની ચોક્કસ ફાઈલો એક પૂર્વ કર્મચારીના ઘરે ક્વેરીઓ શોધવા માટે જતી હોય તેવી ચર્ચાઓ પણ જાણકારો કરી રહ્યા છે અને આવી ફાઈલોના પોટલા ક્વેરીઓ સાથે મહાનગર સેવાસદનમાં પરત આવે છે. કવેરી અને વિલંબ પાછળ આવા કારણો જવાબદાર છે ? એવી પણ ચર્ચાઓ છે. JMCએ હવે કામો કરી દેખાડવામાં ઝડપ કરવી પડશે- ચૂંટણીઓ આડે હવે વધુ સમય નથી.